<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

અમેરિકન વિકી ડોનરઃ ૪૮ વર્ષનો આ માણસ ૧૬૫ બાળકોનો પિતા છે

૪૮ વર્ષનો એરી મેથ્‍સનો પ્રોફેસર છે અને સ્‍પર્મ ડોનેટ કરવાનું કામ કરે છે

ન્‍યુયોર્ક,તા. ૧૯: આખી દુનિયાએ ભલે ૧૬ જૂને ફાધર્સ ડે ઊજવ્‍યો હોય, પણ અમેરિકાના એક માણસ માટે આ દિવસ અત્‍યંત સ્‍પેશ્‍યલ હતો. એરી નેગલ નામનો આ માણસ તાજેતરમાં ૧૬૫મા બાળકનો પિતા બન્‍યો છે. ૪૮ વર્ષનો એરી મેથ્‍સનો પ્રોફેસર છે અને સ્‍પર્મ ડોનેટ કરવાનું કામ કરે છે. ભારતમાં ભલે લોકોને ‘વિકી ડોનર'ફિલ્‍મથી સ્‍પર્મ ડોનેશનનો ખ્‍યાલ આવ્‍યો હોય, પણ આ ભાઈને તો વર્ષો પહેલાં સ્‍પર્મિનેટરનું બિરુદ મળી ચૂક્‍યું છે. દર અઠવાડિયે ૧-૨ મહિલાઓને સ્‍પર્મ ડોનેટ કરતા એરીનું કહેવું છે કે તે ૫૦ વર્ષ પછી ડોનેશન બંધ કરી દેશે, કેમ કે ઉંમર વધ્‍યા બાદ સ્‍પર્મ ડોનેટ કરવાથી ઓટિઝમ જેવી બીમારી થઈ શકે છે.

એરીનાં ૫૬ બાળકો ન્‍યુ યોર્કમાં, ૨૦ ન્‍યુ જર્સીમાં અને ૧૩ કનેક્‍ટિકટમાં છે. તે અમેરિકા ઉપરાંત યુરોપ, એશિયા અને આફ્રિકામાં પણ સ્‍પર્મ ડોનેટ કરી ચૂક્‍યો છે. આમાં ૧૦ મહિલાઓ એવી છે જે હાલ પ્રેગ્નન્‍ટ છે અને જુલાઈ-ઓગસ્‍ટમાં બાળકને જન્‍મ આપશે. જે મહિલાએ તાજેતરમાં ૧૬૫મા બાળકને જન્‍મ આપ્‍યો છે તે મહિલાને એરી નેગલના સ્‍પર્મથી અગાઉ ત્રણ બાળકો થઈ ચૂક્‍યાં છે. રસપ્રદ વાત એ છે કે એરી ૧૦૦થી વધુ બાળકોના સંપર્કમાં છે અને તેને દર વર્ષે ફાધર્સ ડે પર આ બાળકો તરફથી કાર્ડ અને ગિફટ મળે છે. તેની પાસે દરેક બાળકનાં નામ, ફોટો, જન્‍મ તારીખ, ફોન નંબર અને એડ્રેસ છે. જોકે એરી પોતે હજી અપરિણીત છે અને તેનું કહેવું છે કે તેને એવી કોઈ મહિલા હજી મળી નથી જે ૧૬૫ બાળકોના પિતા સાથે લગ્ન કરવા તૈયાર થાય.

(9:50 AM IST)