તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
ચીને આ ટચુકડા દેશના સૈનિકો પર કર્યો કુહાડી-ચપ્પુથી હુમલો

નવી દિલ્હી: વિશ્વમાં બીજા દેશોની જમીન પર ખરાબ નજર રાખનારા ચીને દક્ષિણ ચીન સાગરમાં ગલવાન જેવી ઘટનાનું પુનરાવર્તન કર્યું છે. ચીનના સૈનિકો પર તેમના પડોશી દેશ ફિલિપાઈન્સની નૌકાદળ પર ચપ્પાં અને કુહાડીઓથી હુમલો કરવાનો અને ભારે લૂંટ કરવાનો આરોપ લાગ્યો છે. ફિલિપાઈન્સ સેનાએ ચીની સૈનિકોના આ કૃત્યનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. ફિલિપાઈન્સના અધિકારીઓએ ચીનને ફટકાર લગાવતા તેને ચાંચિયાગીરી ગણાવી છે. વીડિયોમાં ચીની સૈનિકોની લૂંટ જોઈ શકાય છે. તેઓ ફિલિપાઈન્સના સૈનિકો પર ચપ્પાં અને કુહાડીથી હુમલો કરી રહ્યા છે. બુધવારે ફિલિપાઈન્સના સૈન્ય પ્રમુખે માગ કરી હતી કે ચીન વિવાદિત તટીય ક્ષેત્રમાં ચીની કોસ્ટ ગાર્ડ દ્વારા જપ્ત કરાયેલા હથિયારો અને સાધનો પરત કરે અને હુમલાથી થયેલા નુકસાનની ભરપાઈ કરે. તેમણે આ હુમલાની તુલના દક્ષિણ ચીન સાગરમાં ચાંચિયાગીરીની ઘટના સાથે કરી હતી. ફિલિપાઈન્સના અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારે આઠથી વધુ મોટરબોટ પર સવાર ચીની કોસ્ટ ગાર્ડના જવાનોએ ફિલિપાઈન્સની નૌકાદળની બે નૌકા પર વારંવાર ટક્કર મારી અને તેના પર ચઢી ગયા. ફિલિપાઈન્સના અધિકારીઓએ જણાવ્યું કે, ચીની કોસ્ટ ગાર્ડના જવાનોએ ફિલિપાઈન્સ નૌકાદળના જવાનોને દક્ષિણ ચીન સાગરમાં પોતાની મોટરબોટથી અટકાવી દીધા હતા. આ ક્ષેત્રો પર ચીન પોતાનો દાવો કરતું આવ્યું છે. ચીની સૈનિકોએ પહેલા ફિલિપાઈન્સ સૈનિકોની નૌકાઓને ટક્કર મારી અને પછી તેઓ હથિયારો સાથે તેમની નૌકામાં કૂદી પડ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે ચીની જવાનોએ બોટને કબ્જે કરી લીધી અને ફિલિપાઈન્સના સૈનિકો પર હુમલો કર્યો. ચીની સૈનિકોએ તેમની સેનાના ઘણા સાધનો અને આઠ એમ4 રાઈફલો પણ લૂંટીને પોતાની સાથે લઈ ગયા.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
