News of Thursday, 27th June 2024
ઓએમજી.....જાગૃત અવસ્થામાં દર્દીનું કિડની ટ્રાન્સપ્લાંટ કરવામાં આવ્યું

નવી દિલ્હી: યુએસના શિકાગો શહેરમાં આવેલી નોર્થેવેસ્ટર્ન મેડિસિન હોસ્પિટલ ખાતે ભારતીય મૂળના ડોકટર્સે એક દર્દીની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન સૌ પ્રથમવાર જાગ્રતાવસ્થામાં કર્યું હતું. ૨૮ વર્ષના દર્દી જ્હોન નિકોલસને બે કલાકની સર્જરી દરમ્યાન કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ બીજે જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. નિકોલસે તેને કોઇ પીડાનો અનુભવ ન થયો હોવાનું જણાવ્યું હતું. ભારતીય ડોક્ટર ડો. સતીશ નાડિગે જનરલ એનેસ્થેસિયા આપવાને બદલે દર્દીને કરોડરજ્જુમાં એનેસ્થેસિયાનું ઇન્જેકશન આપી દર્દીના શરીરનો કમરની નીચેનો હિસ્સો સંવેદનહીન બનાવી દીધો હતો. ગયા મે મહિનાની ૨૪ તારીખે આ સર્જરી પાર પાડયા બાદ ગયા સોમવારે પત્રકાર પરિષદમાં આ નવી પદ્ધતિની ડોક્ટરે દર્દીની હાજરીમાં માહિતી આપી હતી. નોર્થ વેસ્ટર્ન મેડિસિન કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર ખાતે ભારતીય ટ્રાન્સપ્લાન્ટ સર્જયન ડો. સતીશ નાડિગ, ટ્રાન્સ પ્લાન્ટ સર્જયન ડો. વિનાયક રોહન અને એનેસ્થેસિયોલોજિસ્ટ ડો. વિન્સેટગાર્સિયા થોમસની દેખરેખ હેઠળ કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી પાર પાડવામાં આવી હતી. ડો. સતીશ નાડિગે જણાવ્યું હતું કે અમને આશા છે કે જાગ્રતાવસ્થામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાથી જનરલ એનેસ્થેસિયા સાથે સંકળાયેલાં જોખમોને ઘટાડી શકાશે અને દર્દીને હોસ્પિટલમાં લાંબો સમય રહેવાની જરૂર રહેશે નહીં. સામાન્ય રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી બાદ દર્દીને સાત દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવે છે. જ્યારે આ કિસ્સામાં ઓપરેશનના ૨૪ કલાકમાં જ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
