તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
વર્ષોથી સિગારેટ પીવાને લીધે આ ભાઈના ગળામાં વાયર જેવા વાળ ઊગી નીકળ્યા

લંડન, તા.૨૯: સિગારેટ પીવાથી ઑસ્ટ્રિયાના બાવન વર્ષના એક માણસમાં રૅર સાઇડ ઇફેક્ટ જોવા મળી હતી. સ્મોકિંગ હૃદયરોગ કે કૅન્સર જેવી બીમારીઓ નોતરે છે એવું સાંભળ્યું હશે, પણ આ માણસના ગળામાં વાયર જેવા કાળા વાળ ઊગી આવ્યા હતા. આ માણસ ૨૦ વર્ષની ઉંમરથી સિગારેટ પીતો હતો અને તેણે શ્વાસ લેવામાં મુશ્કેલી, ક્રૉનિક કફ અને કર્કશ અવાજની ફરિયાદ કરી હતી. એક વાર તેને કફમાં પણ વાળ દેખાયો હતો. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ વ્યક્તિને એન્ડોટ્રેકિયલ હેર ગ્રોથ નામની કન્ડિશન છે જે સ્મોકિંગની સાઇડ ઇફેક્ટ હોઈ શકે છે. આ પહેલાં પણ આવો એક કેસ નોંધાયો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્મોકિંગથી ગળામાં ઇન્ફ્લેમેશન થઈ શકે છે જેથી કોષો હેર ફોલિકલ્સમાં રૂપાંતરિત થાય છે.
ઑસ્ટ્રિયાના એ દરદીએ ગળામાં વાળ ઊગવાને લીધે ઍન્ટિબાયોટિક દવાઓ લેવી પડી હતી, કેમ કે એમાં બૅક્ટેરિયા હતા. ચોંકાવનારી વાત એ છે કે શરૂઆતમાં વાળ દૂર કર્યા બાદ પણ એ દર વર્ષે ઊગી આવતા હતા. આવું ૧૪ વર્ષ સુધી ચાલ્યું હતું. ડૉક્ટરો દર વખતે આ દરદીના ગળામાંથી બે ઇંચ લાંબા ૬થી ૯ વાળ કાઢતા હતા. અમુક વાળ તેની સ્વરપેટીમાં અને અમુક મોઢા સુધી પહોંચી ગયા હતા. આ દરદીએ ૨૦૨૦માં સ્મોકિંગ સંપૂર્ણપણે બંધ કર્યું એ પછી તેને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને ત્યારથી તેના ગળામાં કોઈ વાળ નથી દેખાયા.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
