News of Wednesday, 3rd July 2024
ઓએમજી.....ઓસ્ટ્રેલિયાએ સ્ટુન્ડ વિઝા ફીમાં તોતિંગ વધારો કરતા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો મોટો ઝટકો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. સરકારે સ્ટુડન્ટ વિઝા ફી વધારીને બમણી કરતા વધુ કરી દીધી છે. આ વ્યવસ્થા એક જુલાઈથી લાગુ પણ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝની સરકારે આ પગલું તાજેતરમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલા ધરખમ વધારા બાદ ભર્યું છે. હવે તેની સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે, કારણ કે, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બીજા નંબર પર છે. સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયન સંસ્થાઓમાં એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023ના સમયગાળામાં આ સંખ્યા 1.22 લાખ હતી. હવે તેમને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. ઓસ્ટ્રેલિયાએ 1 જુલાઈથી વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ રૂ. 39,527) થી વધારીને 1,600 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ રૂ. 89,059) કરી દીધી છે. આ સાથે જ વિઝિટર વિઝા ધારકો અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધારકો વિદ્યાર્થી વિઝા માટે અરજી કરી શકશે નહીં. ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રી ક્લેર ઓ નીલે કહ્યું કે આ ફેરફારોથી હાઉસિંગ માર્કેટ પર પડી રહેલા દબાણને ઘટાડી શકાશે. માર્ચના ડેટા પ્રમાણે 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં માઈગ્રેશન 60% વધીને 5,48,800 થઈ ગયું હતું.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
