<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

રૂંવાડાં ખડાં કરી દે એવું રોમેન્‍ટિક ડાઇનિંગ

વિડિયોમાં એક યુવક શાર્પ બ્‍લેક સૂટ અને એક યુવતી દુલ્‍હનના વાઇટ ગાઉનમાં સજીને એક ટેબલ સાથેની ડોલી પર બેસે છે

લંડન,તા. ૧૦: દરિયાકિનારે કે પર્વતોની ટોચ પર રોમેન્‍ટિક ડિનર કરતાંય ચાર ચાસણી ચડે એવું એડ્‍વેન્‍ચરસ રોમેન્‍સ કરનારા દુનિયામાં પડ્‍યા છે. રવિવારે સોશ્‍યલ મીડિયા ‘એક્‍સ'પર શેર થયેલો એક વિડિયો ખરેખર રૂંવાડાં ખડાં ન કરી દે તો જ નવાઈ. વિડિયોમાં એક યુવક શાર્પ બ્‍લેક સૂટ અને એક યુવતી દુલ્‍હનના વાઇટ ગાઉનમાં સજીને એક ટેબલ સાથેની ડોલી પર બેસે છે. એ ડોલી બે ઊંચા પર્વતોની વચ્‍ચે બાંધેલા રોપવે પર ઝૂલે છે. ડિનર માટેનું ટેબલ અને ચેર બધું જ દોરડા પર બાંધેલું છે. ધીમે-ધીમે પર્વતની એક સાઇડથી એ ટેબલને પર્વતથી દૂર વચ્‍ચે ધકેલવામાં આવે છે. બે પર્વતની વચ્‍ચે યુવક-યુવતીનું રોમેન્‍ટિક ડિનર શૂટ થાય છે. આ સાહસ કરનારાં યુવક-યુવતી કોણ છે એ જાહેર નથી થયું, પરંતુ તેમના આ વિડિયાને એક-બે દિવસમાં જ ૮૦ લાખથી વધુ વ્‍યુઝ મળી ચૂક્‍યા છે. કોઈકે કમેન્‍ટ કરી છે કે ‘આ તો લાસ્‍ટ સપર છે.' તો કોઈકે લખ્‍યું છે, રોમેન્‍સને ખરેખર (લિટરલી) નવી ઊંચાઈ પર લઈ ગયાં છે આ તો.

(9:53 AM IST)