<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ઇથોપિયાઃ ભૂસ્‍ખલને વેર્યો વિનાશ, બાળકો-સગર્ભા સહિત ૧૫૭ લોકોના મોત

પાંચ લોકોને કાદવમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્‍યા

લંડન,તા. ૨૪: ઇથોપિયાના દૂરના વિસ્‍તારમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્‍ખલનમાં ઓછામાં ઓછા ૧૫૭ લોકોના મોત થયા છે. સ્‍થાનિક પ્રશાસક દગ્‍માવી આયેલે જણાવ્‍યું હતું કે દક્ષિણ ઇથોપિયાના કેન્‍ચો શચા ગોજદી જિલ્લામાં ભૂસ્‍ખલન થયું હતું. તેનો સૌથી વધુ ભોગ નાના બાળકો અને સગર્ભાસ્ત્રીઓ બની છે. ગોફા ઝોન કોમ્‍યુનિકેશન ઓફિસના વડા કસાહુન અબ્‍યાનેહે જણાવ્‍યું હતું કે આ વિસ્‍તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન મૃત્‍યુઆંક સોમવારે મોડી રાત્રે ૫૫ થી વધીને મંગળવારે ૧૫૭ થયો હતો. ગોફા ઝોન એ વહીવટી વિસ્‍તાર છે જયાં ભૂસ્‍ખલન થયું હતું.

સોમવારે સવારે થયેલા ભૂસ્‍ખલનમાં મોટાભાગના લોકો દટાયા હતા. બચાવ કાર્યકરો આગલા દિવસે થયેલા ભૂસ્‍ખલનમાંથી બચી ગયેલા લોકોની શોધમાં ઢોળાવ પર શોધ કરી રહ્યા છે. આયલે જણાવ્‍યું હતું કે ઓછામાં ઓછા પાંચ લોકોને કાદવમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્‍યા હતા. ગોફાના અન્‍ય એક અધિકારી માર્કોસ મેલીસે જણાવ્‍યું હતું કે કાદવમાં દટાયેલા લોકોના જૂથમાંથી ઘણા લોકો શોધી શકાયા નથી. ગોફા ઝોનમાં ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ એજન્‍સીના ડિરેક્‍ટર મેલેસે જણાવ્‍યું હતું કે, અમે હજુ પણ ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છીએ.

અધિકારીએ કહ્યું કે એવા બાળકો છે જેમણે આ ભૂસ્‍ખલનમાં તેમના માતા, પિતા, ભાઈ અને બહેન સહિત તેમના સમગ્ર પરિવારને ગુમાવ્‍યો છે. ઈથોપિયામાં વરસાદની મોસમ દરમિયાન ભૂસ્‍ખલન સામાન્‍ય છે, જે જુલાઈમાં શરૂ થાય છે અને મધ્‍ય સપ્‍ટેમ્‍બર સુધી ચાલુ રહે છે.

(9:35 AM IST)