<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

બ્રિટનમાં મહિલાઓ વિરૂદ્ધ અપરાધમાં ઉછાળોઃ રોજના ૩,૦૦૦ કેસ

દર ૧૨માંથી ઓછામાં ઓછી એક મહિલા દર વર્ષે અપરાધનો ભોગ બને છેઃ ૨૦૨૨-૨૦૨૩માં મહિલાઓ અને છોકરીઓ વિરૂદ્ધ ૧૦ લાખથી વધુ અપરાધ

લંડન,તા. ૨૪: ઈંગ્‍લેન્‍ડ અને વેલ્‍સમાં મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસામાં અને બીજા ગુનામાં વધારો થયો છે. આ મામલે ‘રાષ્ટ્રીય કટોકટી' જેવી સ્‍થિતિ છે જેમાં દરરોજ લગભગ ૩,૦૦૦ ગુના નોંધાય છે તેમ યુકેની પોલીસે મંગળવારે પ્રકાશિત એક નવા અહેવાલમાં ચેતવણી આપી છે.

બે સંસ્‍થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્‍યાસમાં એવો અંદાજ અપાયો છે કે દર ૧૨માંથી ઓછામાં ઓછી એક મહિલા દર વર્ષે અપરાધનો ભોગ બને છે, વાસ્‍તવિક સંખ્‍યા તેના કરતા ઘણી વધારે હોવાની અપેક્ષા છે. સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસા એ રાષ્ટ્રીય કટોકટી છે.'

આ અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે ૨૦૨૨-૨૦૨૩માં મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ ૧૦ લાખથી વધુ હિંસક ગુના નોંધવામાં આવ્‍યા હતા.

એપ્રિલ ૨૦૨૨ અને માર્ચ ૨૦૨૩ વચ્‍ચે ઈંગ્‍લેન્‍ડ અને વેલ્‍સમાં છેતરપિંડી સિવાયના તમામ ગુનામાં લગભગ પાંચમા ભાગના અપરાધ મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ હતા. ખાસ કરીને ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એટલે કે ઘરેલુ હિંસામાં વધારો થયો છે. ૨૦૧૮-૨૦૧૯ અને ગયા વર્ષ વચ્‍ચે મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસા ૩૭ ટકા વધી છે. સરકારે ડોમેસ્‍ટિક પોલિસિંગ પર ધ્‍યાન આપવું પડશે.

ઈંગ્‍લેન્‍ડ અને વેલ્‍સમાં દર ૨૦માંથી એક પુખ્‍ત વ્‍યક્‍તિ અથવા કુલ ૨.૩ મિલિયન લોકો મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ અપરાધના ગુનેગાર છે એવું રિપોર્ટમાં જણાવાયું છે. પોલીસે કહ્યું કે વાસ્‍તવિક સંખ્‍યા મોટી હશે કારણ કે બધા ક્રાઈમની પોલિસમાં નોંધ નથી થતી. એક રીતે જોવામાં આવે તો આ હિમશીલાની ટોચ સમાન છે.

તેમણે ચેતવણી આપી કે ઈંગ્‍લેન્‍ડ અને વેલ્‍સમાંસ્ત્રીઓ સામેની હિંસા ‘ખતરનાક સ્‍તરે પહોંચી ગઈ છે' અને ન્‍યાય પ્રણાલી ધીમી છે કારણ કે કેસનો ભરાવો થયો છે.

આ દરમિયાન ૨૦૧૩થી ૨૦૨૨ના વચ્‍ચે બાળકોના જાતીય શોષણના ગુનાઓમાં ૪૩૫ ટકાનો વધારો થયો છે. અગાઉ આ કેસ માત્ર ૨૦,૦૦૦ હતા જેની સંખ્‍યા વધીને ૧૦૭,૦૦૦ સુધી પહોંચી ગઈ છે. ગુનેગારોની સરેરાશ ઉંમર પણ હવે ઓછી હોય છે. આવા શકમંદોની સરેરાશ ઉંમર ૧૫ વર્ષ છે. આ ઉપરાંત મહિલાઓને અને છોકરીઓને ઓનલાઈન પજવણી કરવામાં આવે છે. કેટલાક લોકો તેની પાછળ પડી જાય છે અને પરેશાન કરે છે. આવા કેસની સંખ્‍યા ૮૫ ટકા છે.

બ્રિટનના ગૃહ મંત્રાલયે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસાને જાહેર સુરક્ષા માટે રાષ્ટ્રીય ખતરો જાહેર કર્યો હતો. ગયા વર્ષમાં ૪,૫૦૦ થી વધુ નવા અધિકારીઓને રેપ અને ગંભીર જાતીય અપરાધોની તપાસ કરવા માટે તાલીમ આપવામાં આવી છે, જેમાં ડિસેમ્‍બર ૨૦૨૨ ના અંતથી ડિસેમ્‍બર ૨૦૨૩ના અંત સુધીમાં રેપના આરોપોમાં ૩૮ ટકા વધારો થયો છે.

(9:36 AM IST)