News of Friday, 9th August 2024
આ મુસ્લિમ દેશમાં છોકરીઓના નાની ઉંમરે લગ્નના નવા કાયદા પર થયો બબાલ

નવી દિલ્હી: ઈરાકની સંસદમાં રજૂ કરાયેલા બિલને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. સંસદમાં રજૂ કરાયેલા આ નવા બિલમાં છોકરીઓના લગ્નની વયમર્યાદા ઘટાડીને 9 વર્ષ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ કાયદો ઇરાકના કાયદા મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. હાલમાં ઇરાકમાં પણ મહિલાઓની લગ્નની લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે. આ બિલમાં એવી જોગવાઈ પણ છે કે કોઈપણ વ્યક્તિ પોતાના માટે છોકરો પસંદ કરી શકે છે કે તેના પારિવારિક મામલાઓનો નિર્ણય ધાર્મિક સત્તામંડળ અથવા કોર્ટ દ્વારા લેવામાં આવશે. આ બિલ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે, આનાથી ઉત્તરાધિકાર, છૂટાછેડા અને બાળકોની કસ્ટડી સહિતના ઘણા અધિકારોનું ઉલ્લંઘન કરશે. જો આ બિલ પસાર થઈ જશે તો છોકરીઓના લગ્ન 9 વર્ષની ઉંમરે અને છોકરાઓના લગ્ન 15 વર્ષની ઉંમરે થઈ શકશે. આવી સ્થિતિમાં લોકોને આશંકા છે કે આનાથી બાળ લગ્નનું પ્રમાણ વધશે. મહિલાઓ અને બાળ અધિકારો માટે ઘણા વર્ષોથી લડી રહેલા સંગઠનો માટે આ મોટા ઝટકા સમાન હશે. માનવાધિકાર સંગઠનો, મહિલા સંગઠનો અને નાગરિક સમાજના કાર્યકરો આનો વિરોધ કરી રહ્યા છે. આ લોકોનું માનવું છે કે, આનાથી શિક્ષણ, સ્વાસ્થ્ય અને સમાજ પર નકારાત્મક અસર જોવા મળશે. બાળલગ્નને પગલે શિક્ષણનું સ્તર નબળું રહેશે. નાની ઉંમરમાં ગર્ભધારણ અને ઘરેલું હિંસાના કેસોમાં પણ વધારો થશે. જણાવી દઈએ કે યુનિસેફના આંકડા પ્રમાણે ઈરાકમાં અત્યારે પણ 28 ટકા લોકોના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
