News of Monday, 12th August 2024
હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર એક પછી એક 30 રોકેટ જીકી દીધા

નવી દિલ્હી: હિઝબુલ્લાહએ રવિવારે રાત્રે ઉત્તરી ઇઝરાયેલ પર લેબનોનથી લગભગ 30 રૉકેટ છોડીને હુમલો કર્યો હતો. જેના કારણે થોડા સમય માટે આકાશનો રંગ બદલાઈને કેસરી થઈ ગયો હતો. ઇઝરાયેલ આર્મી(IDF)એ સોમવારે જણાવ્યું હતું કે રૉકેટ ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હોવાથી કોઈનું મૃત્યુ થયું નથી. આઇડીએફના જણાવ્યા અનુસાર, લેબનીઝ વિસ્તારમાંથી ઉત્તરી ઇઝરાયલના કબારી વિસ્તારમાં રૉકેટ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના જવાબમાં ઇઝરાયેલની સેના લેબનોનના એ વિસ્તારો પર હુમલો કરી રહી છે જ્યાંથી રૉકેટ છોડવામાં આવ્યા હતા. X પર IDF એ પોસ્ટ કર્યું હતું કે, 'છેલ્લા કલાકમાં દેશના ઉત્તરમાં સક્રિય કરાયેલી ઍલર્ટ ઉપરાંત, લેબનોનના પ્રદેશથી કબારી પ્રદેશ સુધીમાં લગભગ 30 લૉન્ચર શોધી કાઢવામાં આવ્યા હતા અને ખુલ્લા વિસ્તારોમાં સંખ્યાબંધ ક્રેશ મળી આવ્યા હતા. કોઈ જાનહાનિ નથી.'ઇઝરાયેલ પર હિઝબુલ્લાહના હુમલા બાદ યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને મધ્ય પૂર્વમાં ગાઇડેડ મિસાઇલ સબમરીન તૈનાત કરવાની જાહેરાત કરી હતી. પેન્ટાગોન દ્વારા આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. અમેરિકાએ ઇઝરાયલની મદદ માટે બે યુદ્ધ જહાજ અને એક સબમરીન મોકલી છે. તાજેતરમાં જ ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયાની હત્યા કરવામાં આવી હતી. ઈરાને આ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ત્યારથી, ગાઝા યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ ઘણો વધી ગયો છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
