તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
પુરુષના શરીરમાં મહિલાઓના પ્રજનન અંગ!
યુવકના શરીરમાંથી મળ્યા અંડાશય અને ગર્ભાશય, હર્નીયાની સર્જરી વખતે ડોક્ટર દંગ : યુવકના કમરની નીચેના ભાગમાં મૂત્રમાર્ગની નજીક જ ગર્ભાશય (યૂટ્રસ) અને અંડાશય (ઓવરી) છે તેની ખબર પડીઃ બન્ને અંગ અર્ધવિકસિત હતાઃ તેમના અંગોનો લગભગ ૬૦ ટકા વિકાસ થયો છે

નવી દિલ્હી,તા. ૧૩: પુરુષના શરીરમાં મહિલાઓના પ્રજનન અંગ! આ અજબ-ગજબ સ્થિતિ હર્નિયાની સર્જરી કરાવવા આવેલા એક યુવકના શરીરમાં જોવા મળ્યા. તેની કમરના નીચેના ભાગમાં મૂત્ર માર્ગ નજીક ગર્ભાશય (યૂટ્રસ) અને અંડાશય (ઓવરી) છે તે જોવા મળ્યું. બન્ને અંગ અર્ધવિકસિત હતા. આ અંગોનો લગભગ ૬૦ ટકા જેટલો વિકાસ થયો હતો. આ વિકૃતિને ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવી છે. હવે યુવક સ્વસ્થ છે.
૪૬ વર્ષીય વ્યક્તિનું નામ રાજગીર મિસ્ત્રી છે, જે બધલગંજનો રહેવાસી છે. તે બે બાળકોનો પિતા છે. ત્રણ મહિનાથી પેટમાં દુઃખાવો અને ઉલ્ટીની તકલીફ હતી. પહેલા સ્થાનિક તબીબો પાસેથી સારવાર લીધી. જયારે કોઈ સુધારો ન થતાં તે સારવાર માટે ખલીલાબાદમાં તેની બહેનના ઘરે ગયો હતો. અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન ખબર પડી કે પેટના નીચેના ભાગમાં એમ્બ્રીયો કેનાલ પાસે હર્નીયાની રચના થઈ હતી. માંસના ટુકડા શરીરની અંદરની ત્વચાના સંપર્કમાં આવે છે. જેના કારણે પેટમાં ભારે દુખાવો થાય છે.
ઓપરેશન સમયે હાજર રહેલા મેડિકલ કોલેજના એનેસ્થેસિયાના પ્રોફેસર ડો. નરેન્દ્ર દેવે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલ દ્વારા ફ્રી હર્નિયા સર્જરી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ કેમ્પમાં યુવક સર્જરી માટે આવ્યો હતો. અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં સારણગાંઠ સ્પષ્ટ દેખાતી હતી. રિપોર્ટમાં એવું નોંધવામાં આવ્યું હતું કે શરીરની જાંઘ અને કમર પાસે સ્થિત ઇન્ગ્યુનલ કેનાલમાંથી અમુક માંસ બહાર આવી રહ્યું છે. કેમ્પમાં જ યુવક પર ઓપન સર્જરી કરવામાં આવી હતી. આ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે પેટની પટલમાંથી બહાર નીકળીને કેનાલમાં પહોંચેલા માંસનો ગઠ્ઠો વાસ્તવમાં અવિકસિત ગર્ભાશય હતો. તેની બાજુમાં એક અંડાશય પણ હતો. બંને અર્ધ-વિકસિત હતા. ખાસ વાત એ છે કે યુવકમાં મહિલાઓ જેવા ગુણ નહોતા. આ એક જન્મજાત વિકૃતિ છે, જે એક લાખમાંથી એક વ્યક્તિમાં થાય છે. સર્જરી બાદ યુવક સ્વસ્થ છે. ડોક્ટરોએ પુરાવા માટે આ અનોખા ઓપરેશનનો વીડિયો પણ બનાવ્યો હતો.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
