News of Wednesday, 14th August 2024
એક ચોંકાવનારા સર્વે મુજબ 2050 સુધીમાં કેન્સરથી આટલા ટકા લોકો મૃત્યુ પામશે

નવી દિલ્હી: દુનિયાભરમાં કેન્સરની બિમારીઓ ઝડપથી વધી રહી છે. કેન્સર એક ગંભીર અને જીવલેણ રોગ છે. કેન્સર સમગ્ર વિશ્વમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે, દર વર્ષે લાખો લોકો આ રોગને કારણે પોતાનો જીવ ગુમાવે છે. એક રિસર્ચમાં આ અંગે ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, વર્ષ 2050 સુધીમાં પુરુષોમાં કેન્સરને કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થવાનો છે. વૃદ્ધ પુરુષો અમુક પ્રકારના કેન્સર માટે વધુ સંવેદનશીલ હોય છે, જેમ કે પ્રોસ્ટેટ અને ફેફસાના કેન્સર, જે પુરુષોમાં કેન્સરના સૌથી સામાન્ય સ્વરૂપો છે. પુરુષોમાં કેન્સરની ઘટનાઓ અને મૃત્યુદરનો અંદાજ કાઢવા માટે સંશોધકોએ 185 દેશો અને પ્રદેશોના 30 કેન્સરના પ્રકારો અને વસ્તી વિષયક ડેટા પર ધ્યાન આપ્યું. આ સંશોધનમાં સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે, પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ ધૂમ્રપાન અને આલ્કોહોલ પીતા હોય છે, જે તેમના કેન્સર અને કેન્સર સંબંધિત મૃત્યુનું જોખમ વધારે છે. વધુમાં, પુરૂષો કામ પર કાર્સિનોજેન્સના સંપર્કમાં આવવાની શક્યતા વધુ હોય છે. રિસર્ચરના મતે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષોમાં યુવાન વર્ગ કરતાં બચવાનો દર ઓછો હતો કારણકે તેઓ ઉપચાર પ્રત્યે ઓછી સહનશીલતા ધરાવતા હોય છે અને જીવનમાં મોડેથી નિદાન કરાવે છે. આ સિવાય તેમાંથી કેટલાક હેલ્થકેર માટેની આવશ્યક ચૂકવણી કરવામાં પણ અસમર્થ હોય છે. એક અંદાજ એ પણ છે કે કેન્સરથી મૃત્યુ પામતા વૃદ્ધ પુરુષોની સંખ્યા 34 લાખથી વધીને 77 લાખ થશે, જ્યારે નવા કેસોની સંખ્યા 2022ના 60 લાખથી વધીને 2050 સુધીમાં 1.31 કરોડ સુધી વધી જશે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
