<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

મહિલાઓ સામેની હિંસાને આતંકવાદ ગણાશે

બ્રિટનમાં મહિલાઓ સામે વધી રહેલી હિંસાને રોકવા માટે સરકાર હવે કડક કાયદો લાવવાની તૈયારી કરી રહી છે

લંડન,તા. ૧૯: બ્રિટનમાં મહિલાઓ સામે વધી રહેલી હિંસાને રોકવા માટે સરકાર હવે કડક કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્‍તાવિત કાયદા અનુસાર મહિલાઓ સામેની હિંસાને હવે આતંકવાદ ગણવામાં આવશે અને તે મુજબ સજા કરવામાં આવશે. બ્રિટનમાં આવો કાયદો પ્રથમ વખત બનાવવામાં આવશે.

બ્રિટનના ગૃહ સચિવ યવેટ કૂપરે જણાવ્‍યું હતું કે મહિલાઓ અને છોકરીઓ સામે હિંસાના વધતા જતા મામલાઓના નિરાકરણમાં ખામીઓને ઓળખવા માટે વર્તમાન કાયદાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સાથે એ પણ જાણવામાં આવી રહ્યું છે કે કઈ વિચારધારા હેઠળ મહિલાઓ સામે હિંસા થઈ રહી છે. તેમણે કહ્યું કે સરકાર મહિલાઓ સામે ઓનલાઈન અને રસ્‍તાઓ પર વધતા ગુનાઓને રોકવામાં નિષ્‍ફળ રહી છે. આનાથી આપણા સામાજિક માળખાને નુકસાન થઈ રહ્યું છે. નવા પ્રસ્‍તાવિત કાયદા અનુસાર, શાળાના શિક્ષકોએ એ પણ જણાવવું પડશે કે શાળામાં એવા કોણ લોકો છે જેઓ મહિલાઓ વિરુદ્ધ દ્વેષપૂર્ણ વિચારો ધરાવે છે.

બ્રિટનના પોલીસ વડાએ તાજેતરમાં કહ્યું હતું કે દેશમાં મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા નોંધપાત્ર રીતે વધી છે. પોલીસ આને આતંકવાદના ખતરા તરીકે જોઈ રહી છે. ‘નેશનલ પોલીસ ચીફસ કાઉન્‍સિલ' અને ‘કોલેજ ઓફ પોલીસિંગ'દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર, બ્રિટિશ પોલીસે ૨૦૨૨ અને ૨૦૨૩ વચ્‍ચે મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ હિંસક અપરાધોના ૧૦ લાખથી વધુ કેસ નોંધ્‍યા છે. આ કુલ ગુનાનો પાંચમો ભાગ છે.

(10:00 AM IST)