News of Monday, 19th August 2024
ઇઝરાયલે ગાઝા પર કરેલ હુમલામાં 24ના મૃત્યુ

નવી દિલ્હી: યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિન્કન મહિનાઓની વાટાઘાટો પછી યુદ્ધવિરામ કરારને અંતિમ સ્વરૂપ આપવા આ ક્ષેત્રમાં આવી રહ્યા છે ત્યારે ઈઝરાયેલે ગાઝા પર રવિવારે કરેલા હુમલામાં એક મહિલા અને તેના છ બાળકો સહિત ૨૪ લોકોના મોત થયા છે. અમેરિકા અને સહ-મધ્યસ્થીઓ ઈજિપ્ત તેમજ કતારે જણાવ્યું કે તેઓ દોહામાં બે દિવસની ચર્ચા પછી આ કરારને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે જ્યારે અમેરિકી અને ઈઝરાયેલી અધિકારીઓએ આ કરાર બાબતે વધુ આશાવાદ ન દર્શાવીને સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો છે. હમાસે દાવો કર્યો છે કે ઈઝરાયેલ નવી માગણી કરીને વારંવાર વાટાઘાટો ભંગ કરતું હોવાથી તેઓ પ્રતિકારની તૈયારી કરી રહ્યા છે. પ્રસ્તાવિત યુદ્ધવિરામ કરારમાં ત્રણ તબક્કા નક્કી કરાયા છે જેમાં હમાસ તેણે ૭ ઓક્ટોબરે કરેલા હુમલામાં પકડેલા ઈઝરાયેલી બાનોને મુક્ત કરશે. બાનના બદલામાં ઈઝરાયેલ ગાઝામાંથી તેના દળો પાછા ખેંચશે અને પેલેસ્ટાઈનના બંધકોને પણ મુક્ત કરશે. ઉલ્લેખનીય છે કે હમાસે ઈઝરાયેલ પર ૭ ઓક્ટોબરે કરેલા હુમલા પછી બંને વચ્ચે મરણિયો જંગ ખેલાઈ રહ્યો છે.૪૦ હજારથી વધુ પેલેસ્ટિન નાગરિકોનો ભોગ લેનાર અને લાખો લોકોને બેઘર કરનાર આ સંઘર્ષને કારણે ગાઝામાં માનવીય કટોકટી સર્જાઈ છે. નિષ્ણાંતોએ હવે અહીં દુષ્કાળ અને રોગચાળો ફેલાવવાની ચેતવણી આપી છે. તાજેતરમાં ઈઝરાયેલે ડેર અલ-બલાહમાં રવિવારે કરેલા હુમલામાં એક માતા સાથે તેના છ બાળકોના મોત થયા હતા. બાળકોની વય ૧૮ મહિનાથી ૧૫ વર્ષની હતી.બાળકોની માતા સ્કૂલની શિક્ષકા હતી અને તેમના ઘર પર થયેલા હુમલા સમયે તે તેના પતિ સાથે હતી. જબાલિયાના ઉત્તરીય શહેરમાં થયેલા હુમલામાં એક રહેણાંક મકાનના બે એપાર્ટમેન્ટનો ભોગ લેવાયો હતો જેમાં બે પુરુષ, એક મહિલા અને તેની પુત્રીના મોત થયા હતા. મધ્ય ગાઝામાં થયેલા એક અન્ય હુમલામાં નવ જણાના મોત થયા હતા. શનિવારે મોડેથી કરાયેલા હુમલામાં ખાન યુનિસ શહેરના એક જ પરિવારના ચાર જણાના મોત થયા હતા જેમાં બે મહિલા હતી.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
