<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

નાસાનું સંશોધન કહે છે કે પૂરતી ઉંઘ ન થાય તો કોફી ન પીતા, ઝોકું મારી લેજો

એકાએક ઉંઘમાં સરી પડવું એને માઇક્રોસ્‍લીપ કહેવાય

ન્‍યુયોર્ક,તા. ૨૨: ઊંઘ પૂરતી ન હોય તો શરીરમાં સ્‍ફૂર્તિ નથી આવતી. થાક અને અધૂરી ઊંઘ શરીરને માંદું કરી મૂકે છે અને છેવટે કાર્યક્ષમતા ઘટી જાય છે. આવો અનુભવ લગભગ દરેકને થાય છે. પૂરતી ઊંઘ કોને કહેવાય અને નાનુંઅમસ્‍તું ઝોકું મારીને પણ કેવી રીતે સ્‍ફૂર્તિલા થવાય એ જાણવા માટે અમેરિકાની અવકાશ સંસ્‍થા નેશનલ એરોનોટિક્‍સ એન્‍ડ સ્‍પેસ એડ્‍મિનિસ્‍ટ્રેશન એટલે કે નાસાએ એક અભ્‍યાસ કર્યો છે. લાંબા સમય સુધી જાગવાને કારણે માઇક્રોસ્‍લીપ થવા માંડે છે. એકાએક ઊંઘમાં સરી પડવું એને માઇક્રોસ્‍લીપ કહેવાય. માઇક્રોસ્‍લીપ થોડી જ સેકન્‍ડની હોય છે, પણ અનિચ્‍છિત ક્ષણ હોય છે. ઘણી વાર એટલી ઝડપથી આ ક્ષણ આવે છે કે તમે જાગો છો એવું લાગતું હોય, પરંતુ ખરેખર તમે ઊંઘી ગયા હો છો. થોડી ક્ષણો માટે મસ્‍તિષ્‍ક બંધ થઈ જાય છે. માઇક્રોસ્‍લીપ એટલા માટે ગંભીર ગણાય છે, કારણ કે એ સમયે તમે આંખ ખુલ્લી રાખીને પણ ઊંઘી શકો છો.

આ સંશોધનમાં જાણવા મળ્‍યું છે કે ઊંઘનો અભાવ ટાળવા અને માઇક્રોસ્‍લીપ રોકવા માટે કોફી પીવાને બદલે ઝોકું મારી લેવું વધુ સલાહભર્યું છે. ઝોકું ખાઈ લેવાને કારણે લાંબા સમય સુધી જાગી શકાય છે. ઝોકું ખાવું કે થોડી મિનિટ માટે ઊંઘી લેવાથી એની ઊણપમાં થોડે ઘણે અંશે રાહત મળે છે અને આખો દિવસ સરસ રીતે પસાર થાય છે. જો તમારે સારી નીંદર કરવી હોય તો વાતાવરણ પણ એવું તૈયાર કરવું પડશે. નીંદરની બાબતમાં સમય કરતાં ઊંઘવાનું વાતાવરણ વધુ મહત્ત્વનું હોય છે. અંધારિયું વાતાવરણ તમારા મસ્‍તિષ્‍કને આરામ કરવાનો સમય થયો હોવાનું જણાવે છે, પરંતુ શાંત સ્‍થળ ઘોંઘાટ દૂર કરે છે અને એવા સ્‍થળે તમને કોઈ પણ અવરોધ વિના નીંદર આવે છે. તાપમાન ઠંડું હોય તો શરીરનું તાપમાન પણ ઠંડું રહે છે અને સારી નીંદર આવે છે. જોકે ઝોકું ૩૦ મિનિટથી વધુનું ન હોવું જોઈએ. જો એનાથી વધુ સમય થઈ જાય તો તમે ગાઢ નીંદરમાં સરી પડો અને શરીરમાં સુસ્‍તી ભરાઈ જાય. આ સુસ્‍તીમાંથી બહાર નીકળવા માટે પણ તમને ૩૦ મિનિટ લાગી જાય છે.

વાતાવરણની સાથેસાથે બોડી-ક્‍લોક પણ મહત્ત્વની હોય છે. બોડી-ક્‍લોક તમારા શરીરને ઊંઘ માટેની રિધમ આપે છે. ઝોકું મારવામાં સમયનું ઘણું મહત્ત્વ હોય છે, જેમ કે સાંજે ઝોકું મારવાથી રાતની ઊંઘ બગડે છે. દિવસે ઝોકું આવે કે માઇક્રોસ્‍લીપની સ્‍થિતિ સર્જાય એનો અર્થ એ થાય કે તમારે તાત્‍કાલિક ઊંઘવાની, આરામ કરવાની જરૂર છે. આવું થાય ત્‍યારે બધું પડતું મૂકીને એક ઝોકું ખાઈ લેવું.

સંશોધનમાં જાણવા મળ્‍યું છે કે તમારા કામની ગુણવત્તા અને તમારા જાગવાના ચોક્કસ સમય પછી લેવાયેલા ઝોકા વચ્‍ચે સંબંધ છે. એટલે કે તમે સાતેક કલાક જાગ્‍યા હો અને બપોરે ૨.૧૦ વાગ્‍યે ઝોકું ખાઓ તો એ ઝોકું તમારા કામને ૩ કલાક સુધી મદદ કરશે. તમે જો ૨૧ કલાક સુધી જાગતા રહો અને સવારે ૪ વાગ્‍યે ઝોકું ખાઓ તો માત્ર ૧ કલાકની જ મદદ મળશે અને જો સળંગ ૨૪ કલાક જાગ્‍યા હો અને સવારે ૭ વાગ્‍યે ઝોકું ખાઓ તો એ તમને મદદરૂપ નહીં બની શકે.

(9:59 AM IST)