<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

ઓએમજી..... પાણિની જેમ હવે સૂર્યપ્રકાશ પણ મળશે વેચાતો

નવી દિલ્હી  : કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની કોરી કલ્પના નથી, નજીકના ભવિષ્યમાં એ હકીકત બનવા જઈ રહ્યું છે. પૂરઝડપે વિકસી રહેલી ટેકનોલોજીની માનવજાતને આ લેટેસ્ટ ભેટ છે. ચાલો જાણીએ કે ‘સૂર્યપ્રકાશ’ વેચવાનો આ કોન્સેપ્ટ શું છે અને એ કઈ રીતે કામ કરશે. આપણા દેશમાં હાલ મકાનોની છત પર અને ખેતરોમાં સોલાર પેનલ લગાવવાનું કામ પૂરજોરમાં ચાલુ છે. એકવારના ખર્ચ પછી સૂર્યઊર્જા કિફાયતી પડતી હોવાથી જનસામાન્યનો ઝુકાવ એના તરફ વધ્યો છે. પણ એની એક ઊણપ/ડ્રોબેક એ છે કે સૂર્યઊર્જા ફક્ત દિવસના સમયે જ જનરેટ થાય છે. રાતના સમયે સૂર્યની ગેરહાજરીમાં સોલર પેનલ કામ કરતી નથી. પણ હવે જે નવો કોન્સેપ્ટ આવ્યો છે એ રાતના સમયે સૂર્યની ગેરહાજરીમાં પણ સૂર્યઊર્જા જનરેટ કરી આપશે. એટલું જ નહીં, તમે ઈચ્છો ત્યાં તમને અજવાળું કરી આપશે. કઈ રીતે? અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત એક સ્ટાર્ટઅપ નામે ‘રિફ્લેક્ટ ઓર્બિટલ’એ દાવો કર્યો છે કે તે એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જે અવકાશમાંથી સૂર્યના કિરણો ઝીલીને રાત્રે પણ ધરતીના કોઈપણ ખૂણે એ સૂર્યકિરણોને પ્રતિબિંબિત કરીને પ્રકાશ મોકલી શકશે. તમે ઈચ્છો તો એ પ્રકાશ થકી તમારા ઘર, ફેક્ટરી કે ખેતરમાં લાગેલ સોલાર પેનલને ચાર્જ કરી શકશો. 'રિફ્લેક્ટ ઓર્બિટલ' અવકાશમાં એવા ઉપગ્રહો લોન્ચ કરશે, જેની સપાટી પર રિફ્લેક્ટિંગ મિરર્સ (પ્રકાશનું પરાવર્તન કરતા અરીસા) લાગેલા હશે. પૃથ્વીની સપાટીથી 600 કિલોમીટર ઊંચે રહેનાર એ અરીસા સૂર્યપ્રકાશ ઝીલશે અને એને પૃથ્વી પર પ્રતિબિંબિત કરશે જેનાથી ધરતી પર લગાડેલી સોલાર પેનલો પણ ચાર્જ થશે અને આપણે ધારીએ ત્યાં અજવાળું થશે. આપણે સૂર્યપ્રકાશનો લાભ લેવા માટે દિવસ ઉગવાની રાહ જોવી નહીં પડે. ઘરની આસપાસ રાતના અંધારામાં કંઈક શોધવા-જોવા-કરવાની જરૂર પડે તો ઉપગ્રહો દ્વારા તમારા માટે આકાશમાંથી ટૉર્ચ થશે! છે ને મજાનો આઇડિયા?
‘જો દિખતા હૈ વો બિકતા હૈ’માં માનતી જાહેરખબરની દુનિયા આ ટેકનોલોજી બાબતે ઉત્સાહમાં છે, કેમ કે રાતના સમયે ધરતી પર ઉતરનાર અજવાળાનો ઉપયોગ જાહેરાત કરવા માટે કરી શકાય એમ છે. એમ થયું તો આપણને રાતના સમયે આકાશમાં ‘તરતી’ ચમકદાર જાહેરખબરો જોવા મળશે. આપણે રસ્તે ચાલતાં જતાં હોઈશું ને એકાએક આપણી સામે કોઈ જાહેરખબર ‘ટપકી’ પડે એવુંય બની શકે. ટૂંકમાં, આ મહત્ત્વાકાંક્ષી કોન્સેપ્ટ ધારણા મુજબ પાર પડ્યો તો જાહેરખબર ક્ષેત્રે ક્રાંતિ થઈ જશે.
અવકાશી અજવાશનો ધરતી પર લાભ લેવું ફ્રી નહીં હોય. એના માટે રૂપિયા ચૂકવવા પડશે. એનો ઘરેલું ઉપયોગ કદાચ બહુ મોંઘો નહીં હોય, પણ એના થકી જાહેરાત કરવામાં ખાસ્સું બજેટ ફાળવવું પડે, એવું બની શકે.

 

(6:23 PM IST)