<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

ફ્લોરિડામાં ત્રાટકેલા વાવઝોડાએ 32 લાખ ઘરોની વીજળી છીનવી લીધી:4 લોકોનો જીવ લેવાયો

નવી દિલ્હી:  ફલોરિડાના પશ્ચિમ કાંઠે 33 લાખની વસતી ધરાવતાં ટેમ્પા બે વિસ્તારથી દક્ષિણે 112 કિમીના અંતરે હરિકેન મિલ્ટન ગુરૂવારે સવારે કેટેગરી થ્રી વાવાઝોડાં તરીકે જોરદાર પવન અને વરસાદ સાથે ત્રાટકતાં ત્રણ જણાંના મોત થયા હતા અને 32 લાખ ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી.  ગવર્નર રોન સેન્ટિસે હજી દિવસો સુધી પાણીનું સ્તર વધવાથી વિનાશ વધવાની ચેતવણી આપી હતી. કેટલાક વિસ્તારોમાં 18 ઇંચ વરસાદ પડયો હતો અને સારાસોટા કાઉન્ટીમાં આઠથી દસ ફૂટ સુધી પાણીના મોજાં ઉછળ્યા હતા. 
આ વાવાઝોડું હાલ ટેમ્પાને બદલે સહેજ ફંટાઇને  ફૂંકાતા પવનો સાથે હિલ્સ બોરો, પાઇનેલાસ અને સારાસોટા કાઉન્ટી પર ત્રાટકતાં લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરાઇ હતી. રોડ પર વૃક્ષો તુટી પડતાં, પુલો બંધ થઇ જતાં અને વીજળીના તારો પાણીમાં હોવાથી લોકોને કોઇ જોખમ લેવા સામે ચેતવણી અપાઇ હતી.
ટેમ્પાથી સહેજ દૂર પ્લાન્ટ સિટીમાં પૂરના પાણી ફરી વળ્યા હતા.ઇમરજન્સી ક્રૂ દ્વારા 35 જણાંને બચાવી લેવામાં આવ્યા હતા. સિટી મેનેજર મેકડેનિયલે શહેરમાં 14 ઇંચ વરસાદ પડયો હોવાનું જણાવ્યું હતું. ગવર્નર રોન સેન્ટિસે જણાવ્યું હતું કે ફલોરિડા તથા અન્ય રાજ્યોમાંથી 9000 નેશનલ ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેલિફોર્નિયા જેવા દૂરના રાજ્યોમાંથી પણ 50000 કામદારો તથા હાઇવે પેટ્રોલ કારને તહેનાત કરવામાં આવી છે.

 

(5:31 PM IST)