<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ભારત-કેનેડા વચ્ચે વિવાદના કારણોસર આ કંપનીઓના ટેંશનમાં થયો વધારો

નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર ભારતીય ઈન્ડસ્ટ્રીઝ પર થવાની ભીતિ વર્તાઈ રહી છે. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોના ભારત પર સતત આકરા પ્રહારોથી ભારતે કાર્યવાહી હાથ ધરતાં કેનેડાના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતાં. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવથી ખાસ કરીને કેનેડિયન પેન્શન ફંડનું રોકાણ ધરાવતી ભારતીય કંપનીઓમાં ટેન્શન વધ્યું છે. કેનેડા પેન્શન ફંડનું ભારતમાં મોટું રોકાણ છે અને તે દેશની ઘણી મોટી કંપનીઓમાં મજબૂત હિસ્સો ધરાવે છે. CPPIB એ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, IT અને નાણાકીય સેવાઓ કંપનીઓમાં ભારે રોકાણ કર્યું છે. એક અહેવાલ અનુસાર, CPPIB નું કોટક બેન્કમાં તેનું રૂ. 6141.6 કરોડનું, જ્યારે ઝોમેટોમાં આશરે રૂ. 2,778.1 કરોડનું રોકાણ (1.15 ટકા હિસ્સો) છે, આ ઉપરાંત, ડેલ્હીવરી લિમિટેડ અને એફએસએન ઇ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડમાં પણ મોટી રકમમાં રોકાણ ધરાવે છે.
રિપોર્ટ અનુસાર, કેનેડિયન પેન્શન ફંડે અન્ય ઘણી ભારતીય કંપનીઓમાં રોકાણ કર્યું છે અને આ યાદીમાં ઓનલાઈન પેમેન્ટ સર્વિસ જાયન્ટ Paytm, Nykaa, Indus Tower સમાવિષ્ટ છે. જો કે, કેનેડા અને ભારત વચ્ચે વધતા જતાં રાજદ્વારી તણાવ છતાં, કેનેડિયન ફંડ્સ પાસે 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં આશરે રૂ. 1.98 લાખ કરોડની સ્થાનિક ઇક્વિટી હતી અને આ આંકડાને જોતા એવું લાગે છે કે CPPIB અત્યારે બહાર નીકળવાની કોઈ ઉતાવળમાં નથી. જો કે છેલ્લા એક વર્ષથી તે હિસ્સો ઘટાડી રહી છે.
કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) દ્વારા ગયા વર્ષે જારી કરાયેલા અહેવાલ મુજબ, કેનેડામાં 30થી વધુ ભારતીય કંપનીઓની હાજરી છે અને તેમના દ્વારા કેનેડામાં રૂ. 40,446 કરોડનું રોકાણ થયું છે. આ કંપનીઓ દ્વારા 17 હજારથી વધુ લોકોને રોજગાર મળ્યો છે. આ કંપનીઓનો R&D ખર્ચ પણ 700 મિલિયન કેનેડિયન ડોલર છે.

 

 

(5:36 PM IST)