<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

તાલિબાનની સરકારે ફરમાવ્યું નવું ફરમાન

નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાના હેલમંદ પ્રાંતમાં એક અજીબોગરીબ કાયદો લાગુ કર્યો છે. જેમાં મીડિયામાં જીવિત પ્રાણીઓની તસવીરો દર્શાવવા પર પ્રતિબંધ લાદ્યો છે. તાલિબાનના નૈતિકતા કાયદાઓના પાલનને સુનિશ્ચિત કરવા આ આદેશ રજૂ કરવામાં આવ્યો છે. સૂચના મંત્રાલયના અધિકારીઓએ આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, માણસો અને જીવતા પશુ-પ્રાણીઓની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કાયદો તબક્કાવાર દેશમાં લાગુ કરવાની યોજના છે. અફઘાનિસ્તાનની સત્તા પોતાના હાથમાં લીધા બાદ તાલિબાન એક-પછી એક કડક ઈસ્લામી કાયદાઓ લાગુ કરી રહ્યુ છે. Ministry for the Propagation of Virtue and the Prevention of Vice (PVPV) ના પ્રવક્તા સૈફુલ ઈસ્લામ ખૈબરે જણાવ્યું હતું કે, આ કાયદો અફઘાનિસ્તાનમાં તબક્કાવાર લાગુ કરવામાં આવશે. આ કાયદા અંતર્ગત જીવિત ચીજોની તસવીરો દર્શાવવી ઈસ્લામી કાયદા વિરૂદ્ધ છે. જેનુ પાલન કરવુ જરૂરી છે. જો કે, ખૈબરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કાયદાનું પાલન દબાણપૂર્વક થશે નહીં. તેને માત્ર સલાહ સ્વરૂપે જ રજૂ કરવામાં આવ્યું છે. ઓગસ્ટમાં જાહેર પરિવહન, શેવિંગ, મીડિયા અને સમારોહને નિયંત્રિત કરતો કાયદો રજૂ કર્યો હતો. ગત સપ્તાહે મીડિયા સંદર્ભે કાયદો કડક બનાવતાં મોટાભાગના ટેલિવિઝન, રેડિયો અને સમાચાર પત્રો પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે, ઈરાન, અને સઉદી અરબ સહિત અન્ય મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં આ પ્રકારના પ્રતિબંધો લાગુ નથી. મહિલાઓને જાહેરમાં ન બોલવા અને સંપૂર્ણ શરીર ઢાંકી રાખવાનો કાયદો પણ અમલમાં મૂક્યો હતો.

 

(5:12 PM IST)