<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

રાત્રે લાઈટો-નેટ બંધ, સેક્‍સ મંત્રાલયઃ વસ્‍તી વધારવા રશિયા અનોખા ઉપાયો અજમાવશે

યૂક્રેન સાથેનું યુદ્ધ વસ્‍તી ઘટવાનું કારણ : ઓક્‍ટો.માં રોજ ૧,૫૦૦ રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્‍યો : કપલ્‍સને અંતરંગ પળો માણવા પ્રોત્‍સાહન મળે તે માટે રાત્રે ૧૦થી બે વાગ્‍યા સુધી ઇન્‍ટરનેટ-લાઇટો બંધ રાખવા પ્રસ્‍તાવ

મોસ્‍કો, તા.૧૪: યૂક્રેન સામે યુદ્ધ વચ્‍ચે રશિયા ઘટતી જતી વસ્‍તીની સમસ્‍યાનો સામનો કરી રહ્યું છે. આ સંકટ દૂર કરવા રશિયાની વ્‍લાદિમીર પુતિન સરકાર લોકોને વધુ બાળકો પેદા કરવા અંગે જાગળત કરી રહી છે, લોભામણી ઓફરો કરી ચૂકી છે છતાં અત્‍યાર સુધીના પ્રયાસના તેને ધાર્યા પરિણામ મળ્‍યા નથી. જોકે હવે પુતિન સરકારે જન્‍મદર વધારવા અનોખી તરકીબ શોધી કાઢી છે. પુતિન સરકાર પાંચ પ્રસ્‍તાવ પર વિચાર કરી રહી છે, જેમાં રાત્રે ૧૦ વાગ્‍યા પછી લાઈટ-ઈન્‍ટરનેટ બંધ રાખવા, સગર્ભાઓને પ્રોત્‍સાહક નાણાકીય સહાય, કપલની પહેલી ડેટ સંપૂર્ણપણે સરકારી ખર્ચે અને સેક્‍સ મંત્રાલયની સ્‍થાપના પણ સામેલ છે. પુતિનની વફાદાર અને રશિયન સંસદમાં પારિવારિક સુરક્ષા અંગેની સમિતિનાં અધ્‍યક્ષ નીના ઓસ્‍તાનિનાએ સેક્‍સ મંત્રાલય રચવા માગ કરી છે. તેમનું માનવું છે કે આ મંત્રાલય વસ્‍તી વધારવા માટેની અવનવી તરકીબો શોધશે.

વસ્‍તી વધારવા માટેનાં મુખ્‍ય પ્રસ્‍તાવ

 રાત્રે ઇન્‍ટરનેટ-વીજળી બંધઃ રશિયન સરકાર સમક્ષ મુકાયેલો એક પ્રસ્‍તાવ એવો છે કે રાત્રે ૧૦ વાગ્‍યાથી બે વાગ્‍યા સુધી ઇન્‍ટરનેટ અને લાઇટો બંધ રાખવામાં આવે, જેથી કપલ્‍સને અંતરંગ પળો માણવા માટે પ્રોત્‍સાહન મળે.

* સગર્ભાઓને પ્રોત્‍સાહક નાણાકીય સહાય : રશિયન સરકાર બાળકને જન્‍મ આપનારી મહિલાઓને પ્રોત્‍સાહક નાણાકીય સહાય આપવા અંગે પણ વિચારી રહી છે. ઘરકામ કરતી આવી મહિલાઓને દર મહિને નાણાકીય સહાય આપવાની વિચારણા છે. રશિયા આને પેન્‍શન ગણનામાં સામેલ કરી શકે છે.

*  કપલની પહેલી ડેટ સરકારી ખર્ચેઃ અન્‍ય એક સૂચન એવું છે કે કપલ્‍સની પહેલી ડેટનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે. આ માટે પાંચ હજાર રૂબલ (અંદાજે ૪,૨૭૯ રૂપિયા)ની ખર્ચ મર્યાદા રખાઇ છે.

*સુહાગરાત પણ સરકારી ખર્ચે : જે નવપરિણીત યુગલો સુહાગરાત હોટલમાં મનાવવા ઇચ્‍છતા હોય તેમનો સુહાગરાતનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવા અંગે પણ રશિયા સરકાર વિચારી રહી છે. આવા યુગલોને રશિયન સરકાર ૨૬,૩૦૦ રૂબલ (અંદાજે ૨૨,૫૧૦ રૂપિયા) સુધીની સહાય ચૂકવી શકે છે.

* સેક્‍સ મંત્રાલયની સ્‍થાપનાઃ  સ્‍થાનિક મીડિયાના અહેવાલો અનુસાર રશિયામાં જન્‍મદર ઊંચો લઈ જવા સેક્‍સ મંત્રાલય ઊભું કરવાની પણ હિમાયત કરાઈ છે.

* યુવતીઓને બાળક પેદા કરવા પર સહાય : ૧૮થી ૨૩ વર્ષની જે યુવતીઓ બાળકને જન્‍મ આપે તેમને ૯૦૦ યુરો (અંદાજે ૯૭,૩૧૧ રૂપિયા) સહાય આપવાની વિચારણા છે. આ રકમ જુદાજુદા શહેરોમાં અલગ અલગ છે. જેમ કે ચેલ્‍યાબિન્‍સ્‍કમાં પ્રથમ બાળક માટે સહાયની રકમ ૮.૫૦૦ યુરો (અંદાજે ૯.૧૯ લાખ રૂપિયા) છે.

* ઓફિસમાં લંચ બ્રેકમાં સેક્‍સનો પ્રસ્‍તાવ : રશિયાના આરોગ્‍યપ્રધાન ડૉ. યેવગેની શેસ્‍તોપાલોવે કહ્યું કે રશિયનો ઓફિસો કે ફેક્‍ટરીઓમાં કોફી બ્રેક કે લંચ બ્રેક દરમિયાન સેક્‍સ કરી શકે છે.(

(11:38 AM IST)