<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

જો બાયડને અમેરિકાના લૉંગ રેન્જ મિસાઈલ રશિયા સામે વાપરવાની હવે પરવાનગી આપી

નવી દિલ્હી: પ્રમુખ જો બાયડેને યુક્રેનને અમેરિકાનાં લોંગ રેન્જ આર્મી ટેક્ટિકલ મિસાઇલ્સ રશિયા સામે વાપરવાની પરવાનગી આપી છે. અમેરિકાએ આપેલાં આ પ્રક્ષેપાસ્ત્રો રશિયા સામે નહીં વાપરવા કહ્યું હતું સાથે કહ્યું હતું કે તે માત્ર સ્વરક્ષણ માટે જ વાપરવાનાં છે પરંતુ રશિયાએ તેની ઉત્તર સીમાનો કુર્કસ્ક વિસ્તાર યુક્રેને હસ્તગત કર્યા પછી તે પાછો લેવા ત્યાં ઉત્તર કોરિયાની એક સંપૂર્ણ બટાલિયન (૧૨,૦૦૦ સૈનિકો) રશિયન બ્રિગેડીયરના હાથ નીચે મુક્યા હોવાથી હવે પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. તેથી અમેરિકાએ તેમાં ટેક્ટિકલ મિસાઇલ્સ રશિયા સામે વાપરવા પરવાનગી આપી છે. તેમ અનામી રહેવા માગતા અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું હતું. અમેરિકાના આ નિર્ણયથી ઉત્તેજિત થયેલા પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, 'આક્રમણ શબ્દોથી થઈ શકે નહીં. તે કદી જાહેર કરાય પણ નહીં. મિસાઇલ્સ જ તેમના વતી જે કહેવાનું છે, તે કહી દેશે.'નિરીક્ષકો કહે છે કે, ઝેલેન્સ્કીએ ભલે વટમાં આવી જઈ આ વિધાનો કર્યાં હશે પરંતુ રશિયાના પ્રચંડ વળતા પ્રહારો માટે તેમણે તૈયાર રહેવું પડશે. રશિયાએ હવે યુક્રેન ઉપર જોરદાર મિસાઇલ પ્રહારો અને ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે. બીજી તરફ અમેરિકાના નવ-નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો જાહેર કરી જ દીધું છે કે, કરોડો ડોલરનાં શસ્ત્રો યુક્રેનને આપી અમેરિકાના ટેક્ષ પેયર્સને હું નીચોવવા માંગતો નથી. આથી બહુ સ્પષ્ટ છે કે ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ સત્તાનાં સૂત્રો ગ્રહણ કરશે પછી તુર્ત જ તેઓ યુક્રેનને શસ્ત્રોની 'ખેરાત' બંધ કરી દેશે. ઝેલેન્સ્કી પણ તે જાણે છે. તેથી બાયડેન જ્યાં સુધી પ્રમુખપદે છે ત્યાં સુધીમાં બને તેટલી અમેરિકી શસ્ત્ર સહાય મેળવી લેવા માંગે છે પરંતુ તેઓ ભવિષ્યનો વિચાર જ કરતા નથી.

 

(5:44 PM IST)