News of Thursday, 28th November 2024
અમેરિકાએ ગ્વામ ટાપુના સૈન્ય મથક પર સબમરીન યુ.એસ.એસ. મિનેસોટા લાંગરતા ચીન ભડકી ઉઠ્યું હોવાના સમાચાર

નવી દિલ્હી: હિન્દ પ્રશાંત વિસ્તારમાં ફરી એકવાર વિશ્વની બે મહાશક્તિઓ (અમેરિકા અને ચીન) ધીરે ધીરે સામ-સામે આવી રહી છે. તાજા ઘટનાક્રમ પ્રમાણે અમેરિકાએ પ્રશાંત મહાસાગરના ગ્વામ ટાપુ સ્થિત તેના સૈન્ય મથક પર પોતાની ન્યુક્લિઅર સબમરીન યુ.એસ.એસ. મિનેસોટા લાંગરતાં ચીન ધૂંધવાઈ ઉઠયું છે. એવું કહેવાય છે કે ગ્વામ ટાપુ પર અમેરિકા તેનું સૈન્ય મથક ભવિષ્યની તૈયારી માટે ઉચ્ચ સ્તરે લઈ જઈ રહ્યું છે. વિશેષત: ચીને સબમરીનો સાથેનો તેનો નૌકા કાફલો ૩૭૦ યુદ્ધ જહાજો જેટલો પહોંચાડયો હોવાથી અમેરિકા સહિત તે વિસ્તારના દેશો ચિંતિત બન્યા છે. અમેરિકાએ ત્યાં લાંગરેલી યુ.એસ.એસ. 'મિનેસોટા' વર્જીનિયા શ્રેણીની ઝડપી ગતિથી જઈ શકતી સબમરીનો પૈકી અગ્રીમ સબમરીન છે. તેનું ડીસપ્લેસમેન્ટ (વજન) ૭,૮૦૦ ટન છે. લંબાઈ ૩૭૭ ફીટ છે. તે ૧૨ લેન્ડ ક્રૂઝ મિસાઇલ્સ અને ૨૫ ટોર્પિડો ધરાવે છે. ગ્વામમાં પહેલી જ વાર આવી ન્યુક્લિયર સબમરીન તૈનાત કરાઈ છે. વર્જીનિયા શ્રેણીની મે ૧૦મી સબમરીન છે. ન્યુઝ વીકના એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહીનાઓની પ્રતીક્ષા પછી યુ.એસ.એસ. 'મિનેસોટા' (એસ.એસ.એન.૭૮૩) પોતાના 'હોમ-પોર્ટ' ગ્વામ પર પહોંચી ગઈ છે. આ શ્રેણીની સબમરીનો ૨૦૦૦ આસપાસ 'કમીશન' કરાઈ હતી. તેની ગ્વામમાં ઉપસ્થિતિથી પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં અમેરિકાની નૌકા સ્થિતિ વધુ મજબૂત બનશે. તે 'સબમરીન યુદ્ધ' માટે પણ સક્ષમ છે. સ્ટ્રાઇક મિશન અને ગુપ્ત રીતે માહિતી મેળવવા માટે પણ સક્ષમ છે. તેમાં આશરે ૧૪૭ નાવિકો રહેશે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
