<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

અમેરિકામાં હત્યાનો આરોપી નિર્દોષ સાબિત થતા સવા કરોડ ડોલરનું મળ્યું વળતર

નવી દિલ્હી: જે અપરાધ પોતે કર્યો જ નહોતો તેના માટે જેલમાં લગભગ ત્રીસ વર્ષ વિતાવ્યા પછી માઈકલ સુલિવાન નામનો વ્યક્તિ આખરે ૨૦૨૪માં ત્યારે દોષમુક્ત જાહેર થયો જ્યારે મેસેશુસેટ્સની એક કોર્ટે તેને ૧૯૮૬માં વિલ્ફ્રેડ મેકગ્રોથની હત્યા માટે નિર્દોષ જાહેર કર્યો હતો. હવે ૬૪ વર્ષના થયેલા સુલિવાનને રાજ્યના કાયદામાં વધુમાં વધુ એક મિલિયન ડોલરની સીમા નક્કી થઈ હોવા છતાં વળતર તરીકે ૧૩ મિલિયન ડોલર ફાળવવામાં આવ્યા હતા. રાજ્યના પોલીસ કેમિસ્ટની ખોટી સાક્ષી આધારે સુલિવાનને દોષી ઠરાવવામાં આવ્યો હતો. તાજેતરમાં રાજ્યમાં આવા અનેક દોષીને પછીથી નિર્દોષ જાહેર કરવાના બનાવ બન્યા છે. સુલિવાનની પરેશાની ૧૯૮૭માં વિવાદાસ્પદ પુરાવાના આધારે તે દોષી પૂરવાર થયો ત્યારથી શરૂ થઈ હતી. મેકગ્રોથની હત્યા થઈ તેની આગલી રાત્રે સુલિવાનની બહેન મેકગ્રોથ સાથે તેમના સહિયારા એપાર્ટમેન્ટમાં ગઈ હોવાની જાણ થતા પોલીસ વિભાગ સુલિવાનની પાછળ પડી ગઈ હતી. અન્ય આરોપી ગેરી ગ્રેસએ સુલિવાન પર દોષનો ટોપલો ઢોળીને પોતાના પરના હત્યાના આરોપોમાંથી મુક્તિ મેળવી હતી. ફરિયાદીના કેસમાં કેન્દ્ર સ્થાને હતું સુલિવાને પહેરેલું જાંબુડી રંગનું જેકેટ, જેના માટે રાજ્યના કેમિસ્ટે સાક્ષી આપી કે તેના પર મેકગ્રોથના લોહી અને વાળના અવશેષ હતા. પણ ૨૦૧૧થી સુલિવાનનું ભાગ્ય પલટાયું અને તેના વકીલે ડીએનએ ચકાસણીની માગણી કરી, જે અગાઉની ટ્રાયલમાં ઉપલબ્ધ નહોતી. ચકાસણીમાં જાણ થઈ કે જેકેટ પર લોહીના નિશાન હતા જ નહિ જ્યારે વાળ પણ મેકગ્રોથના નહોતા. ૨૦૧૨માં નવેસરથી ટ્રાયલ શરૂ થઈ અને ૨૦૧૪માં સુલિવાનને છોડી મુકવામાં આવ્યો. પણ વર્ષો સુધી તેણે ઘરની બહાર નીકળતી વખતે ઈલેક્ટ્રોનિક બ્રેસલેટ પહેરવું પડયું હતું. ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે નવેસરથી કેસ ચલાવવાની મંજૂરી આપી, પણ ૨૦૧૯માં રાજ્યએ કેસ ચલાવવાનો ઈન્કાર કરી દીધો કારણ કે મોટાભાગના સાક્ષીઓના અવસાન થઈ ચુક્યા હતા.

 

(5:46 PM IST)