તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
ચીનમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભંડાર મળી આવ્યો

નવી દિલ્હી: મધ્ય ચીનમાં વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળી આવ્યો છે. ચીનની સરકારી મીડિયાએ હુનાન પ્રાંતના પિંગજિયાંગ કાઉન્ટીમાં સોનાનો ભંડાર મળી આવ્યાની જાહેરાત કરી છે, જે સંભવત: અત્યાર સુધીનો સૌથી વિશાળ ભંડાર છે અને જેની કિંમત લગભગ 83 અબજ ડોલર છે. આ ભંડાર દક્ષિણ આફ્રિકાની લગભગ 900 મેટ્રિક ટન સોનું ધરાવતી દક્ષિણ ડીપ ખાણથી પણ વધુ હોવાનું અનુમાન છે. ભૂગર્ભશાસ્ત્રીઓએ બે કિલોમીટરની ઊંડાઈ પર 40 સ્વર્ણ શિરાઓની ઓળખ કરી છે જે આ શોધ અભૂતપૂર્વ હોવાનું સૂચવે છે. સ્વર્ણ ભંડાર સામાન્યપણે ભૂગર્ભ પ્રક્રિયાઓ દ્વારા બને છે, જેમાં સોનાથી સમૃદ્ધ પ્રવાહી પૃથ્વીના પોપડામાં પડેલી તિરાડોમાંથી વહે છે. લાખો વર્ષો દરમ્યાન આ તરલ પદાર્થો ખડકોમાંથી સોનાને ઓગાળીને તાપમાન અથવા દબાણ જેવી પરિસ્થિતિમાં ફેરફાર થતા તેને સોના તરીકે જમા કરે છે. પિંગજિયાંગ રિઝર્વમાં આવી જ પ્રક્રિયા જોવા મળી રહી છે જેમાં પ્રારંભિક આંકલનમાં ઓળખાયેલી શિરાઓમાં 300 મેટ્રિક ટન સોનું હોવાનું અનુમાન રાખવામાં આવ્યું છે. આધુનિક ૩ડી મોડેલથી ત્રણ કિલોમીટરની ઊંડાઈ સુધી અતિરિક્ત સોનાનો ભંડાર હોવાનું અનુમાન છે. ડ્રિલ કરેલા અનેક ખડકોમાં સોનું શોધી કાઢવામાં આવ્યું હતું જેના નમૂનાઓમાં પ્રતિ મેટ્રિક ટન ઓર 138 ગ્રામ સોનાની ઉપજ જણાઈ હતી. ઉચ્ચ ગ્રેડ ઓર માટે ઉદ્યોગના આઠ ગ્રામ પ્રતિ મેટ્રિક ટનના બેન્ચમાર્કની સરખામણીએ આ અભૂતપૂર્વ આંકડો ગણી શકાય. આ બાબત દર્શાવે છે કે નવી શોધાયેલી થાપણ અત્યંત ઉચ્ચ કક્ષાની છે. આ શોધથી વૈશ્વિક સોના બજારમાં ચીનના પહેલેથી રહેલા મહત્વના પ્રભાવમાં વધારો થવાની શક્યતા છે. વૈશ્વિક ઉત્પાદનમાં દસ ટકાનો હિસ્સો ધરાવતા અને ૨૦૨૪માં બે હજાર ટનના રિઝર્વ ધરાવતા અગ્રણી સોના ઉત્પાદક તરીકે ચીનનું પ્રભુત્વ વધુ મજબૂત થશે. આ જાહેરાતથી વધતી વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનાની કિંમતમાં વધુ વધારો થયો છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
