તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
બ્રિટનની સંસદમાં ઈચ્છા મૃત્યુ બિલને મળી પ્રારંભિક મંજૂરી

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ અને વેલ્સમાં અસાધ્ય બીમારીથી પીડિત પુખ્ત વયની વ્યક્તિઓને તેમના જીવનનો અંત લાવવા માટેના ઈચ્છા મૃત્યુ બિલને બ્રિટિશ સાંસદોએ શુક્રવારે પ્રારંભિક મંજૂરી આપી દીધી છે. બ્રિટિશ સંસદમાં અત્યંત ભાવુક ચર્ચા પછી સંસદ સભ્યોએ ૩૩૦થી ૨૭૫ના મત મારફત ઐતિહાસિક આસિસ્ટેડ ડાઈંગ બિલ એટલે કે ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી દીધી છે. આ બિલ મુજબ જેમના જીવનનો અંત છ મહિનાની અંદર આવવાનો હોય તેવા દર્દીઓ, વૃદ્ધો મૃત્યુ માટે તબીબી સહાયની માગ કરી શકશે.
બ્રિટિશ સંસદમાં લેબર સાંસદ કિમ લીડબીટર દ્વારા ખાનગી સભ્યના બિલ તરીકે ટર્મીનલી ઈલ એડલ્ટ્સ (એન્ડ ઓફ લાઈફ) બિલ રજૂ કર્યું હતું. આ બિલની તરફેણમાં ૩૩૦ મત પડયા હતા જ્યારે વિરોધમાં ૨૭૫ સાંસદોએ મત આપ્યા હતા. આમ ૫૫ મતોની બહુમતીથી આ બિલ પસાર થઈ ગયું છે. તેનો અર્થ એવો છે કે આ બિલ કાયદો બને તે પહેલાં હાઉસ ઓફ લોર્ડ્સ સુધારા અને સ્ક્રુટિનીની લંબાણપૂર્વકની પ્રક્રિયામાં આગળ વધી શકશે. આ જ પ્રકારનું બિલ વર્ષ ૨૦૧૫માં પસાર થઈ શક્યું નહોતું.
આ બિલના મુદ્દે સાંસદો એટલા વિભાજિત હતા કે સંસદમાં તેના પર ચર્ચા શરૂ થઈ ત્યારે દરેક સાંસદોએ પક્ષની લાઈનથી બંધાયા વિના મુક્તપણે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન કિર સ્ટાર્મરે બિલની તરફેણમાં મત આપ્યો હતો. તેમના પ્રવક્તાએ કહ્યું કે, સંસદમાં આજના મતદાન પર આખા દેશની નજર છે. સંસદમાં આ બિલ પર ચર્ચા સમયે નૈતિક મૂલ્યો, દયા, પીડા, કાયદો, વિશ્વાસ, ગૂનો અને નાણાં જેવા મુદ્દાઓ પર કલાકો સુધી ભાવનાત્મક ચર્ચા થયા પછી મતદાન થયું હતું. સંસદમાં આસિસ્ટેડ ડાઈંગ બિલ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યારે સંસદની બહાર તેના સમર્થકો અને વિરોધીઓનો જમાવડો થયો હતો. સેંકડો લોકોએ આ બિલના સમર્થન અને વિરોધમાં પ્લેકાર્ડ દર્શાવતા દેખાવો કર્યા હતા.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
