<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

સાઈબેરિયામાં 50હજાર વર્ષ જુના બાળ મેમથના અવશેષો મળી આવ્યા

નવી દિલ્હી: રશિયાના ઉત્તર-પૂર્વ ભાગમાં સાઇબેરિયા નામનો પ્રદેશ છે. આ બર્ફીલો પ્રદેશ હાડ થીજવતી ઠંડીને લીધે બાકીની દુનિયાથી આજ સુધી મહદઅંશે અલિપ્ત રહી શક્યો છે. કોઈક જમાનામાં અહીં મેમથ (હાથીની એક વિશાળકાય પ્રજાતિ) વિચરતા હતા. સંશોધકોનો મતે, મેમથ 4000 વર્ષ અગાઉ લુપ્ત થઈ ગયા હતા. એકલા સાઇબેરિયામાં જ એમની વસ્તી લાખોમાં હતી, તેથી આ પ્રદેશમાં બરફ નીચે દબાઈને સચવાઈ રહેલા મેમથના અવશેષો છાશવારે મળતાં રહે છે. તાજેતરમાં પણ ત્યાં મેમથના અવશેષ મળી આવ્યા છે. સાઇબેરિયામાં ‘બટાગાઈકા’ નામની ક્રેટર(ધરતીની સપાટી પર રચાયેલો મહદ્અંશે ગોળાકાર વિશાળ ખાડો)માંથી બાળ મેમથના અવશેષ મળી આવ્યા છે. મોટેભાગે કોઈ પ્રાણીના અવશેષ મળે તો એ ટુકડામાં વિભાજિત થયેલા જ હોય છે, પણ આ બાળ મેમથનું તો અડધું ઉપરાંત શરીર જેમનું તેમ સચવાયેલું મળી આવ્યું છે. તેનું માથું, સૂંઢ, આગલા બે પગ અને લગભગ અડધું ધડ સારી રીતે સચવાયેલું છે. સંશોધકોએ તેને અત્યાર સુધીની સૌથી સારી રીતે સચવાયેલા મેમથ અશ્મિ ગણાવ્યા છે. આ બાળ મેમથ 47 ઇંચ ઊંચું છે. એનું અંદાજિત વજન 220 પાઉન્ડ છે. તે 50,000 વર્ષથી વધુ જૂનું હોવાનો અંદાજ લગાવાયો છે. પ્રાથમિક પરીક્ષણને આધારે સંશોધકોનું એવું કહેવું છે કે આ મેમથનું મૃત્યુ થયું ત્યારે તે એકાદ વર્ષનું જ હશે. તેના પર પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. એ પછી એની વયનો અને એ કેટલા હજાર વર્ષ અગાઉ મૃત્યુ પામ્યું હતું, એ જાણી શકાશે. આ બાળ મેમથને ‘યાના’ નામ અપાયું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાના પ્રત્યેક ખૂણામાં જામેલો બરફ પીગળવા લાગ્યો છે. સાઇબેરિયા પણ એમાંથી બાકાત નથી રહી શક્યું. બટાગાઈકા ક્રેટરમાંનું પરમાફ્રોસ્ટ (બરફનું સ્તર) પીગળતા ‘યાના’ બહાર નીકળી આવ્યું હતું. બટાગાઈકા ક્રેટર 80 મીટર (260 ફૂટ) કરતાં વધુ ઊંડી છે.

(6:36 PM IST)