<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

પાંચ ફુટ દસ ઇંચની લાડી અને બે ફુટ ૯ ઇંચનો લાડો

ન્‍યુયોક, તા.૩૦: સામાન્‍ય રીતે વર કરતાં કન્‍યા ઊંચી હોય તો કજોડું કહેવાય, પણ જો આ ડિફરન્‍સ ખૂબ વધારે હોય તો એ તમને ફેમસ પણ બનાવી દઈ શકે. અમેરિકામાં રહેતા લેરી મેક્‍ડોનેલ અને જેસિકા બર્ન્‍સ મેક્‍ડોનેલ નામના એક યુગલે આવા જ અજીબોગરીબ કારણસર ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન જમાવ્‍યું છે. લેરીભાઈ જન્‍મથી જ ટૂંકા કદના રહી ગયા હોવાથી તેનું કદ બે ફુટ અને ૯ ઇંચ જેટલું રહી ગયું છે, જયારે જેસિકા એક સામાન્‍ય મોડલ જેટલી પાંચ ફુટ દસ ઇંચની હાઇટ ધરાવે છે. બન્ને દાયકાઓ પહેલાં મળ્‍યાં હતાં. લેરી ભણવામાં નબળો હતો એટલે નાપાસ થતો રહ્યો. જેસિકા તેની સાથે સ્‍કૂલમાં એક જ ક્‍લાસમાં ભણતી હતી. જોકે તેમની વચ્‍ચે વર્ષો સુધી માત્ર દોસ્‍તી જ રહી જે ધીમે-ધીમે પ્રેમમાં પાંગરી. આઠ વર્ષ પહેલાં તેમનાં લગ્ન થયાં અને હવે તો તેમને ચાર સંતાનો છે. જેસિકાનું કહેવું છે કે લગ્નનાં આઠ વર્ષ ઉપરાંત કુલ ૧૭ વર્ષથી તે લેરીને ઓળખે છે અને તેમના સંબંધોમાં કદી નાનું-મોટું કદ સમસ્‍યાનું કારણ નથી બન્‍યું. સૌથી વધુ હાઇટ ડિફરન્‍સ ધરાવતા યુગલનો રેકોર્ડ આ કપલના નામે છે.

(4:39 PM IST)