<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

કિચનના સિંકમાં વારંવાર પાણીનો ભરાવો થાય છે તો અપનાવો આ ટિપ્સ

નવી દિલ્હી: અત્યારે ભાગ્યે જ કોઈના રસોડામાં સિંક ન હોય તેવું હશે. આ સિંક આમ તો ખૂબ જ ઉપયોગી છે, પરંતુ થોડા થોડા સમયે તે ભરાઈ જવાની સમસ્યા હંમેશા રહે છે. જેના કારણે ગંદુ પાણી જમા થાય છે અને દુર્ગંધ પણ આવવા લાગે છે. ઘણીવાર આ સમસ્યા તેની સ્વચ્છતા પર ધ્યાન ન આપવાનું પરિણામ જ હોય છે.

મોટાભાગના લોકો ઉપરથી સિંકને પોલિશ કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ વાસ્તવમાં સિંકની પાઈપને પણ સમયાંતરે સફાઈની જરૂર છે. નહિંતર તે જામ થવા લાગે છે. જો કે, અંદરથી સાફ કરવું થોડું મુશ્કેલ છે. એટલા માટે ઘણા લોકો આ માટે પ્લમ્બરની મદદ લે છે. પરંતુ આજે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવીએ કે જેના દ્વારા તમે  સિંકને ભરાઈ જવાથી બચાવી શકો છો. જો સિંક ડ્રેઇન ભરાઈ જાય તો તમે તેને જાતે પણ સાફ કરી શકો છો. મોટાભાગે રસોડામાં બેકિંગ સોડાનો ઉપયોગ થાય જ છે. રસોઈ ઉપરાંત તે ઘરની સફાઈમાં પણ ઉપયોગી છે. આ સિવાય તમે તેનો ઉપયોગ સિંકના ભરાયેલા પાઈપને સાફ કરવા માટે પણ કરી શકો છો. સિંકના પાઈપને સાફ કરવા માટે સિંકમાં પહેલાથી ભરેલું પાણી બહાર કાઢી લો. હવે સિંકના છિદ્રો પર 1 કપ બેકિંગ સોડા રેડો અને પછી તેના પર 1 કપ સફેદ વિનેગર રેડો. 15 મિનિટ માટે આ રીતે રહેવા દો અને ત્યારબાદ સિંકમાં ઉકળતું પાણી રેડી દો. આજ સુધી તમે ઈનોનો ઉપયોગ માત્ર એસિડિટીથી રાહત મેળવવા માટે કર્યો હશે. પરંતુ આ પાવડર તમને રસોડાના સિંકમાં ભરેલો કચરો સાફ કરવામાં પણ મદદ કરી શકે છે. ડ્રાય સિંક ડ્રેઇન પર પહેલા ઈનો નાખી દો. હવે ઉપર  વિનેગર રેડી દો. થોડી વાર પછી તેના પર ગરમ પાણી વહાવી દો. જો ટ્યુબમાં ઘણો કચરો અટકી ગયો હોય, તો તમારે આ પ્રક્રિયાને બે-ત્રણ વાર કરવી પડશે.

(7:05 PM IST)