તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
વિદેશોમાંથી આવક મેળવવા માટે ટ્રમ્પ કરશે એક્સટર્નલ રેવન્યુ સર્વિસ શરૂ

નવી દિલ્હી: યુએસના નવા ચૂંટાયેલાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોદ્દાના શપથ લેતાં પૂર્વે જ કામનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મેક્સિકો અને કેનેડાને ટેરીફ લાદવાની ધમકી આપ્યા બાદ એક નવા મહત્વના એલાન અનુસાર વીસ જાન્યુઆરીથી યુએસ સરકારમાં એક નવો વિભાગ એક્સટર્નલ રેવન્યુ સર્વિસ શરૂ કરશે. આ નવા વિભાગનું કામ વિદેશોમાંથી થનારી આવક અને ટેરીફની સમયસર વસૂલાત કરવાનું રહેશે. આ વિભાગ હેઠળ કસ્ટમ, ટેરિફ અને વિદેશી સ્રોતોમાંથી થનારી અન્ય આવકને એકત્રિત કરવામાં આવશે તેમ ટ્રમ્પે તેમના પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું. સીએનએનના અહેવાલમાં જણાવ્યું હતું કે આ વિભાગની રચના ચીન, કેનેડા અને મેક્સિકો જેવા દેશો પર દબાણ વધારવા માટે કરવામાં આવી રહી છે. વેપારમાં અસંતુલન, માઇગ્રેશન અને કેફી દ્રવ્યોની દાણચોરી જેવા મુદ્દાઓને સુલઝાવવામાં આ વિભાગ સહાયરુપ બનશે. ટ્રમ્પનો ઇરાદો ચીન સહિત અન્ય દેશો પર ટેક્સ વધારવાનો પણ છે. ટ્રમ્પ અન્ય દેશોમાંથી થઇ રહેલી આયાત પર પણ ટેરીફ વધારવાની જાહેરાત ટૂંક સમયમાં કરશે એમ મનાય છે. ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે નબળાં વેપાર કરારને કારણે અમેરિકન ઇકોનોમી દ્વારા દુનિયાની સમૃદ્ધિ વધી છે જ્યારે અમારો ટેક્સ વધ્યો છે. હવે આ બાબતમાં પરિવર્તન કરવાનો સમય પાકી ગયો છે. જે લોકો અમારી પાસેથી નાણાં કમાય છે તેમણે હવે વાજબી હિસ્સો પરત ચૂકવવાનું શરૂ કરવું પડશે. અલબત્ત આ નવી એજન્સી સ્થાપવા માટે કોંગ્રેસની મંજૂરીની જરૂર પડશે. પણ હાલ કોંગ્રેસ અને સેનેટ બંને ગૃહોમાં રિપબ્લિકન્સની બહુમતિ હોઇ ટ્રમ્પને આ મંજૂરી મેળવવામાં કોઇ અવરોધ નડશે નહીં.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
