News of Monday, 20th January 2025
AI ટેક્નોલોજીના આગમનથી ટેક કંપનીઓના મૂલ્યાંકનમાં થયો જોરદાર વધારો

નવી દિલ્હી: આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ-કૃત્રિમ બુદ્ધી)ની શોધથી ટેકનોલોજી ક્ષેત્રમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે, જેનો સીધો લાભ દેશ-વિદેશની ટેક કંપનીઓને જોવા મળી રહ્યો છે. મનુષ્યજીવનના દરેક પાસામાં, પછી તે વ્યક્તિગત હોય કે વ્યવસાયીક, એઆઈ એક હિસ્સો બનતી જાય છે. એઆઈના વપરાશમાં થઈ રહેલા વધારાને કારણે છેલ્લા એક-બે વર્ષથી ટેકનોલોજી કંપનીઓના મૂલ્યાંકનમાં જોરદાર વૃદ્ધિ પણ થઈ રહી છે. ટેકનોલોજી કંપનીઓના વિકાસમાં એઆઈ એક મુખ્ય પરિબળ બનતી જાય છે. એઆઈના આગમનથી ટેકનોલોજી કંપનીઓ એઆઈ સંચાલિત નવા પ્રોડકટસ, સેવાઓ તથા બિઝનેસ મોડેલ તૈયાર કરવામાં સફળ રહી છે. જેની કોઈએ અગાઉ કલ્પના પણ કરી નહીં હોય. સેલ્ફડ્રાઈવિંગ કારથી લઈને આરોગ્યસંભાળ ક્ષેત્ર એઆઈ દરેક ઉદ્યોગમાં ક્રાંતિ કરી રહી છે અને ટેક કંપનીઓને વિકાસની તકો પૂરી પાડી રહી છે. તાજેતરના સમયમાં ટેકનોલોજી કંપનીઓના મૂલ્યાંકનમાં જોવા મળેલા ઉછાળા એઆઈને આભારી છે. એઆઈની શોધ કોની માટે પોઝિટિવ અને કોની માટે નેગેટિવ છે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ હાલમાં તો તે ટેકનોલોજી કંપનીઓ માટે પોઝિટિવ સાબિત થઈ રહી છે. તાજેતરમાં આવેલા એક અહેવાલ પ્રમાણે એક અબજ ડોલરથી ૫૦ અબજ ડોલરના મૂલ્યાંકન સાથેની અને એઆઈ સાથે સંકળાયેલી ૧૦ સ્ટાર્ટઅપ્સે ૧૦ અબજ ડોલરનું ભંડોળ ઊભુ કરવામાં સફળતા મેળવી હતી. આ સ્ટાર્ટઅપ્સને કારણે પરંપરાગત ટેક ઉદ્યોગો સામે સ્પર્ધા ઊભી થઈ છે એટલું જ નહીં ટેક કંપનીઓ માટે નવી તકો અને બજારો આકાર પામી રહી છે. એઆઈમાં વધી રહેલા રસ અને વિવિધ ઉદ્યોગોમાં એઆઈ-કેન્દ્રીત ચીપ્સ માટેની મજબૂત માગને કારણે ૨૦૨૪માં એનવિડીયાની માર્કેટ કેપમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો. એનવિડીયાની માર્કેટ કેપ ગયા વર્ષે બે ટ્રિલિયન ડોલર વધી ૩.૨૮ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી, જેને કારણે તે માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની બીજી મોટી લિસ્ટેડ કંપની બની શકી હતી. આજ રીતે એપલ એઆઈ ક્ષેત્રે મોટી છલાંગ મારવા માટે સજ્જ હોવાની રોકાણકારોની ધારણાંને પરિણામે કંપની ૪ટ્રિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે વિશ્વની પ્રથમ ક્રમની કંપની બની રહી હતી. એઆઈ પ્રોડકટસ, ટુલ્સ તથા સોલ્યુશનોની વિકસાવી રહેલી અન્ય કંપનીઓ જેમ કે માઈક્રોસોફટસ, એમેઝોન, આલ્ફાબેટના મૂલ્યાંકનમાં પણ તાજેતરના સમયમાં વધારો જોવા મળ્યો છે. ૨૦૨૫માં આ કંપનીઓ એઆઈ ક્ષેત્રે જોરદાર પહેલો કરશે તેવી અપેક્ષાએ તેમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
