<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

ઓએમજી....આ જગ્યા પર લગ્ન બાદ દુલ્હનની નહીં પરંતુ વરરાજાની થતી હતી વિદાઈ

નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં આજે પણ એ જ પરંપરા છે કે, લગ્ન બાદ દુલ્હન જ વરરાજાના ઘરે જાઈ છે. પરંતુ એક નવી DNA સ્ટડીમાં ખુલાસો થયો છે કે, લોહ યુગ (Iron Age)માં આવું નહોતું. તે સમયે બ્રિટનમાં લગ્ન બાદ વરરાજાની વિદાઈ થતી હતી અને વરરાજા દુલ્હનના પરિવાર સાથે રહેતો હતો. વિજ્ઞાનીઓએ તે સમયની કબરોમાંથી મળેલા ડીએનએના આધાર પર આ રસપ્રદ માહિતી આપી છે, જે એક અજીબ અને નવા પાસાને ઉજાગર કરે છે. આ સ્ટડી ડૉ. લારા કેસિડીના નેતૃત્વમાં ટ્રિનિટી કોલેજ ડબલિન દ્વારા કરવામાં આવી છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, આ સ્ટડીના પરિણામો એ સામાન્ય માન્યતાને પડકારે છે કે ઇતિહાસમાં મોટાભાગના સમાજો પિતૃસ્થાનિક હતા. પિતૃસ્થાનિકનો અર્થ એ થાય છે કે લગ્ન બાદ દુલ્હન વરરાજાના ઘરે જતી હતી અને ત્યાં પોતાના પતિ સાથે રહેતી હતી. પરંતુ આ નવી સ્ટડીથી સ્પષ્ટ થાય છે કે, લોહ યુગના સમાજોમાં તેનાથી વિપરીત વરરાજા દુલ્હનના પરિવાર સાથે રહેતો હતો. ડૉ. કેસિડીનું કહેવું છે કે, કદાચ એક સમય એવો પણ રહ્યો હશે જ્યારે માતૃસ્થાનીયતા એટલે કે લગ્ન બાદ કન્યા પોતાના પરિવાર સાથે રહેતી હતી, તે ખૂબ જ સામાન્ય હતું. ભૂતકાળમાં મહિલાઓની ભૂમિકા અને સમાજમાં તેમના પ્રભાવને સમજવાની રીત પર તેનો મોટો પ્રભાવ પડ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, આજે પણ દુનિયામાં ઘણા એવો સમાજો છે જ્યાં મહિલાઓ પાસે ઘણી શક્તિ અને પ્રભાવ હોય છે. વિજ્ઞાનીઓએ દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડના ડોરસેટમાં કબ્રસ્તાનના સમૂહમાં દફનાવવામાં આવેલા 57થી વધુ લોકોના જીનોમની સ્ટડી કરી. તેમાના મોટાભાગના લોકો ડૂરોટ્રાઈજેસ જાતિના હતા. આ સ્થળ માત્ર એટલા માટે જ મહત્વપૂર્ણ નથી કે અહીં લોહયુગની કબરો મળવી ખૂબ જ મુશ્કેલ છે, પણ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે આ કબરોમાં મહિલાઓ સાથે ખૂબ જ કિંમતી વસ્તુઓ દફનાવવામાં આવી હતી. આનાથી પુરાતત્વવિદો માટે તે વધુ ખાસ બન્યું.

(6:12 PM IST)