<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

આ છે દુનિયાનો સૌથી પ્રામાણિક દેશ

નવી દિલ્હી: ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ’ નામની આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થા કે જે વિશ્વના વિવિધ દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિનું મૂલ્યાંકન કરીને તેનો અહેવાલ તૈયાર કરે છે, તેણે તાજેતરમાં આવો અહેવાલ રજૂ કર્યો છે. અહેવાલ મુજબ ડેન્માર્ક વિશ્વનો સૌથી ઓછો ભષ્ટ્ર દેશ છે અને ત્યાંની પ્રજાને વિશ્વના તમામ લોકો વિશ્વાસપાત્ર લાગે છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા મંગળવારે વર્ષ 2024નો ‘કરપ્શન પરસેપ્શન્સ ઈન્ડેક્સ’ (CPI) જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ડેન્માર્ક 90 CPI પોઈન્ટ સાથે સતત સાતમા વર્ષે ટોપ પર રહ્યું છે. અહેવાલમાં 180 દેશોને 0 થી 100 સુધીના નંબર આપવામાં આવ્યા હતા. શૂન્યનો સ્કોર એટલે સૌથી વધુ ભ્રષ્ટ અને 100નો સ્કોર એટલે સૌથી ઓછો ભ્રષ્ટ.  ડેન્માર્ક સૌથી ઓછું ભ્રષ્ટ હોવાનું કારણ છે ત્યાંના લોકોની માનસિકતા. લગભગ 74 ટકા ડેનિસ લોકો માને છે કે વિશ્વના લગભગ તમામ દેશના લોકો વિશ્વાસપાત્ર છે. તેઓ અજાણ્યા લોકો પર પણ શંકા કરતા નથી. ભ્રષ્ટાચાર ફક્ત સરકાર દ્વારા કરાતો કાંડ નથી, ભ્રષ્ટાચાર વ્યક્તિગત કક્ષાએ પણ થાય છે અને તે લોકોમાં વિકસિત થયેલી એક આદત છે. ડેનિશ પ્રજા પ્રામાણિક હોવાથી તેઓ અન્ય લોકો પર પણ સરળતાથી વિશ્વાસ કરી લે છે. બીજા કોઈ દેશની પ્રજામાં આવો પરસ્પર વિશ્વાસ જોવા નથી મળતો. આ જ કારણસર ડેન્માર્કમાં લોકો એકબીજાને છેતરતા નથી અને તેને વિશ્વનો સૌથી ઓછો ભ્રષ્ટ દેશ હોવાનું બહુમાન મળતું રહે છે. ડેન્માર્ક પછી બીજા નંબરે 88 CPI સાથે ફિનલેન્ડ રહ્યું. ત્યારબાદ ત્રીજા-ચોથા ક્રમે સિંગાપોર (84) અને ન્યુઝીલેન્ડ (83) આવે છે. લક્ઝમબર્ગ, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ 81ના સ્કોર સાથે પાંચમા ક્રમે છે, જ્યારે સ્વીડન (80) અને નેધરલેન્ડ્સ (78) અનુક્રમે 8મા અને 9મા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા, આઈસલેન્ડ અને આયર્લેન્ડ 77 સ્કોર કરીને 10મા ક્રમે છે.

 

(5:36 PM IST)