<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

અચાનક સાંભળવાનું બંધ થઇ જવાના રોગના દર્દીઓની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં થયો વધારો

નવી દિલ્હી: પરેશભાઇને 50 વર્ષની ઉંમરે અચાનક જ કાનમાં બહેરાશ આવી ગઈ, સંભળાતું બંધ થઈ ગયું. ઉંમરના આ તબક્કે હિયરિંગ એઇડ્‌સ પણ મદદ કરી શકે તેમ નહોતી. સાંભળી  ન શકવાની ક્ષમતાના કારણે તેઓ તણાવમાં મુકાયા અને લોકો સાથે ઝઘડા કરવા લાદ્યાં. આખરે ડૉક્ટરે તેમને જણાવ્યું કે, તેમને આનુવંશિક કાનનો રોગ છે.   પરેશભાઇનો આ કેસ ભલે કાલ્પનિક હોય પણ અચાનક સાંભળવાનું બંધ થઇ જાય તેવા આનુવંશિક રોગમાં સતત વધારો થઇ રહ્યો છે.
આનુવંશિક કાનના રોગના મોટાભાગના કેસમાં સાંભળવાની નસ સામાન્ય હોવા છતાં મગજ સુધી અવાજ લઇ જતાં કાનની અંદરના  કોક્લિયા ધીરે-ધીરે બ્લોક થાય છે અને અમુક સમય બાદ તે વ્યક્તિનું સાંભળવાનું સદંતર બંધ થઇ જાય છે. આ રોગના અંતિમ ઈલાજ તરીકે કોક્લિયર ઈમ્પ્લાન્ટનો વિકલ્પ છે. કાનનો આનુવંશિક રોગ મહિલાઓને સૌથી વધારે અસર કરે છે. તેમાં 60 ટકાથી માંડી 100 ટકા સુધીની બહેરાશ આવી જાય છે, જેથી સામાજીક જીવન ઉપર અસર પડે છે. જેનો ઈલાજ હિયરિંગ એઇડ્‌સ છે અને તેનાથી ન સંભળાય તો કોક્લિયર ઈમ્પ્લાન્ટ કરાવવો પડે છે. આ અંગે સોલા સિવિલ હોસ્પિટલનાં ઈએનટી વિભાગનાં હેડ-પ્રો. નીના ભાલોડિયાએ જણાવ્યું કે, ‘બહેરાશ આવવાના ઘણા કારણો છે. તેમાં બહેરાશનું પ્રમાણ છેલ્લા બે વર્ષથી વધી રહ્યું છે, તેમાં પણ ખાસ  15થી 35 વયની વ્યક્તિમાં આ લક્ષણ વધુ જોવા મળે છે. જેમાં 11 ટકા કેસ સંપૂર્ણ બહેરાશના છે. એટલે કે, 100 લોકો બહેરા હોય તો તેમાંથી 11ને આનુવંશિક રોગના કારણે ધીરે-ધીરે કે અચાનક બહેરાશ આવે છે.

 

(5:01 PM IST)