<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

રશિયા યુક્રેન વચ્ચે સમજૂતીના સમાચારના કારણોસર ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો હોવાના સમાચાર

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલું યુદ્ધ હવે પૂરું થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી ઈચ્છે છે અને આ માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું છે કે, 'હું આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળીશ.' આ મુલાકાત સાઉદી અરબમાં થશે. એવામાં હવે રશિયા અને યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ સમજૂતીના કારણે ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી રહી છે. ટ્રમ્પના ટેરિફની અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર પણ પડી રહી છે. સોમવારે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 20 સેન્ટ્સ અથવા 0.2% ઘટીને 74.59 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટી અધિકારીઓએ યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા સાથે વાતચીત શરૂ કરી ત્યારથી બ્રેન્ટ ક્રૂડના ભાવ ચાર સત્રોમાં 3.1% ઘટ્યા છે. તેમજ અમેરિકાનું વેસ્ટ ટેક્સાસ ક્રૂડ (WTI) સોમવારે 23 સેન્ટ અથવા 0.3% ઘટીને $70.51 પ્રતિ બેરલ પર હતું. WTI છેલ્લા ચાર સત્રોમાં 3.8% ઘટ્યું છે અને સોમવારે ઘટીને $70.12 પ્રતિ બેરલ થઈ ગયું છે. 30 ડિસેમ્બર પછી WTIમાં આ સૌથી મોટો ઘટાડો છે. રોઇટર્સ અનુસાર, નિસાન સિક્યોરિટીઝના એકમ એનએસ ટ્રેડિંગના પ્રમુખ હિરોયુકી કિકુકાવાએ જણાવ્યું હતું કે, 'રશિયા-યુક્રેન યુદ્ધવિરામ અને રશિયા પરના પ્રતિબંધો હળવા થવાની સંભાવના પર બજારો મંદી છે. ટ્રમ્પ જે ટેરિફ લાદી રહ્યા છે તેના કારણે મંદીની પણ સંભાવનાઓ છે. જેની અસર ક્રૂડ ઓઈલનાં ભાવ પર થઇ રહી છે.'નિષ્ણાતોનું કહેવું છે કે, 'WTI થોડા સમય માટે પ્રતિ બેરલ 66-76 ડોલરની વચ્ચે રહેશે કારણ કે ઓઈલના ભાવમાં વધુ ઘટાડો અમેરિકન ઓઈલના ઉત્પાદનને રોકી શકે છે.'

(6:40 PM IST)