<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

અમેરિકનોના માથે અધધ 18.4 લાખ કરોડનું દેવું હોવાની માહિતી

નવી દિલ્હી:  અમેરિકનો દેવાની જાળમાં વધુને વધુ ભીંસાતા જઈ રહ્યા છે. ડિસેમ્બરમાં પૂરા થયેલા ચોથા ક્વાર્ટરના અંતે અમેરિકનો પરનું કુલ દેવુ ૧૮.૪ લાખ કરોડ ડોલર હતું, એમ ત્યાંના હાઉસહોલ્ડ ડેટ એન્ડ ક્રેડિટ રિપોર્ટમાં જણાવાયું છે. અમેરિકનો પરના  આ દેવામાં મોર્ગેજ લોન, કાર લોન, ક્રેડિટ કાર્ડ, સ્ટુડન્ટ્સ લોન અને હોમ ઇક્વિટી લાઇન્સ ઓફ ક્રેડિટનો સમાવેશ થાય છે. લગભગ બધી જ મોટી લોન કેટેગરીમાં વધારો થયો છે. ક્રેડિટ કાર્ડનું દેવું ૭.૩ ટકા વધીને ૧.૨ ટ્રિલિયન ડોલર થયું છે. તેમા પણ કાર લોન અને ક્રેડિટ કાર્ડમાં ૯૦ કરતાં વધુ દિવસ સુધી ચૂકવણી ન કરવાનું પ્રમાણ ૧૪ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. આ ઉપરાંત ચોથા ક્વાર્ટરના અંતે ક્રેડિટ કાર્ડ ઉપયોગિતા દર ૨૩.૮ ટકા જેટલો વધ્યો હતો, જે ૨૦૧૩ પછીને સૌથી મોટો વધારો છે, એમ ન્યૂયોર્ક ફેડ ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે. આ બતાવે છે કે વધુને વધુ અમેરિકનો તેમના ખર્ચા માટે ક્રેડિટ કાર્ડ પર આધારિત રહેવા લાગ્યા છે. આ કારણસર અમેરિકનોએ ક્રેડિટ કાર્ડ મોંઘા પડવા છતાં તેનો આશરો લેવો પડી રહ્યો છે.
ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ફિલાડેલ્ફિયાના જણાવ્યા મુજબ ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરના અંતે ક્રેડિટ કાર્ડમાં મિનિમમ બેલેન્સની ચૂકવણી કરનારાનું પ્રમાણ ૧૨ વર્ષની ટોચે પહોંચ્યુ હતુ. આ બતાવે છે કે લોકો પોતાના ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સમયસર ચૂકવવા સક્ષમ નથી.
સામાન્ય રીતે અમેરિકનોની કુલ આવકમાં કાર લોન પેમેન્ટ ૧૩થી ૧૪ ટકાથી વધારે હોતી નથી, યુઝ્ડ કાર માટે સરેરાશ ચૂકવણી ૫૨૫ ડોલર તો નવી કાર માટે ૭૩૪ ડોલર હોય છે. પણ આજે ઊંચા વ્યાજદરના લીધે અમેરિકનો  તેમની માસિક આવકના ૨૧થી ૨૨ ટકા કાર લોન પેમેન્ટ પાછળ ખર્ચે છે. આ સ્થિતિ અસહ્ય છે. આના કારણે અમેરિકનોની નાણાકીય સ્થિતિ કથળી છે. આ સ્થિતિના પગલે લોનની ચૂકવણીની સરેરાશ મર્યાદા ૪૮થી  ૬૦ હતી. તે વધીને ૭૮ મહિના થઈ ગઈ છે. આ બાબત અમેરિકનોની ઋણ ચૂકવણીની ક્ષમતામાં થયેલા ઘટાડાનો નિર્દેશ કરે છે.

 

(5:41 PM IST)