તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
આ દેશ સમૃદ્ધ હોવા છતાં કરોડપતિઓ પાસે નથી રહેવા માટે ઘર

નવી દિલ્હી: મોનાકો દુનિયાનો એક એવો નાનકડો દેશ છે જે સામાન્ય રીતે દુનિયાના નકશામાં દેખાય પણ નહીં. માત્ર 2.2 ચો.કિમીમાં ફેલાયેલા આ દેશમાં તેની મૂળ વસતી 10,000 લોકોથી પણ ઓછી છે. અહીંયા બહારથી આવીને વસેલા લોકો સાથે કુલ વસતી 38 હજારે પરાણે પહોંચી છે. આ દેશ ચાલતા ચાલતા ફરવામાં આવે તો પણ 1 કલાકમાં ફરી લેવાય તેમ છે. મોનાકોને કરોડપતિઓનો દેશ પણ કહેવામાં આવે છે. અહીંયા સ્થાનિક ધનકૂબેરો ઉપરાંત દુનિયાભરમાંથી આવીને વસેલા ધનકૂબેરો પણ છે. અહીંયાથી દુનિયાભરમાં વેપાર કરવા ઉપર ટેક્સ લાગતો નથી, તેથી ધનકુબેરોમાં ટેક્સ હેવન તરીકે મોનાકોની બોલબાલા છે.
મોનાકોને ભલે કરોડપતિઓનો દેશ કહેવામાં આવે પણ અહીંયા એક મોટી સમસ્યા છે જે ધનકુબેરોને પણ નડી રહી છે. અહીંયા દર ચોથી વ્યક્તિ કરોડપતિ છે પણ તેમની પાસે રહેવા માટે ઘર નથી. મોનાકોમાં લોકો પાસે રહેવા માટે મકાન નથી તેથી લોકો પોતાની કારમાં, ડોરમેટ્રીમાં કે યોટમાં રહેવા માટે મજબૂર છે. તેનો ઉકેલ લાવવા સરકાર હવે દરિયામાં મકાનો બનાવી રહી છે. મોનાકો ભુમધ્ય સાગરના કિનારે વસેલો દેશ છે. અહીંયા જેટલી જમીન છે તેટલી જમીનથી મોટી તો દુનિયાભરના મોટા દેશોની યુનિવર્સિટીઓ છે. ભારતની જ વાત કરીએ તો મોનાકો કરતા બમણી જગ્યામાં એટલે કે 4.12 ચો. કિમી વિસ્તારમાં દિલ્હીની પંડિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ફેલાયેલી છે. વિસ્તારની દ્રષ્ટિએ મોનાકો સૌથી નાના દેશની યાદીમાં વેટિકન સિટી બાદ બીજા ક્રમે આવે છે. આટલા નાના દેશમાં 38,000 લોકો રહેતા હોવાથી ખૂબ મુશ્કેલી પડે છે. એક અહેવાલ પ્રમાણે હાલમાં અહીંયા ત્રણ થી ચાર હજાર લોકો બેઘર છે. કરોડો રૂપિયા હોવા છતાં તેઓ જાહેર સ્થળોએ વસવાટ કરે છે. મોનાકો સરકાર દ્વારા લોકોને ઘર આપવા માટે ઓફશોર અર્બન એક્સટેન્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેઓ દરિયામાં સ્કાયસ્ક્રેપર બનાવી રહ્યા છે. જમીન અને પર્વત ઉપર ઉંચા મકાનો બનાવ્યા બાદ હવે દરિયામાં છેલ્લાં પાંચ વર્ષથી કામગીરી ચાલી રહી છે. આ રીતે મોનાકો દરિયામાં 15 એકર સુધી લંબાશે. તેના દ્વારા 120 લોકોને મકાન, બગીચા, કોમર્શિયલ જગ્યાઓ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, મોનાકો દ્વારા 1861થી દરિયામાં વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં મોનાકોએ કુલ 20 ટકા સુધીનો વિસ્તાર દરિયામાં કરી લીધો છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
