<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

એક સર્વે મુજબ ભારતમાં 6 કરોડ લોકો પીડાઈ રહ્યા છે બહેરાશની સમસ્યાથી

નવી દિલ્હી: આજે 'વિશ્વ શ્રવણ દિવસ' છે ત્યારે બહેરાશનું વધતું જતું પ્રમાણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ચિંતાનો વિષય છે. થોડા દાયકા પહેલા સુધી તેને વૃદ્ધત્વ સાથે આવતી સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે આ સમસ્યા યુવાનો અને બાળકોને પણ અસર કરી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના જણાવ્યા પ્રમાણે ભારતની વસતીના 6.3% અથવા આશરે 6 કરોડ લોકો સાંભળવાની ઓછી ક્ષમતા અથવા બહેરાશથી પીડાય છે. કેટલીક આદતો આ સમસ્યાને વધારી રહી છે.

મેડિકલ રિપોર્ટ દર્શાવે છે કે બહેરાશથી પીડાતા લોકોમાં મોટો ભાગ 0 થી 14 વર્ષની વય જૂથના લોકોનો છે. 2011ની ભારતીય વસતી ગણતરીમાં જણાવાયું હતું કે, 19% વસતીને બહેરાશની સમસ્યા હતી. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, લાઈફસ્ટાઈલ સંબંધિત કેટલીક સમસ્યાઓને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે. તાજેતરની એક સ્ટડીમાં સંશોધકોની એક ટીમે જણાવ્યું કે જે લોકો ખૂબ વીડિયો ગેમ્સ રમે છે, હેડફોન અથવા ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ અને મોટા અવાજોના સંપર્કમાં રહે છે તેમની સાંભળવાની ક્ષમતા ઓછી થવાનું જોખમ વધારે હોય છે.

WHO એ એક વૈશ્વિક અહેવાલમાં ચેતવણી આપતા કહ્યું કે, 12 થી 35 વર્ષની વયના એક બિલિયન (100 કરોડ)થી વધુ લોકોને સાંભળવાની ક્ષમતા ઓછી હોવી અથવા તો બહેરાશનું જોખમ હોઈ શકે છે. આનું મુખ્ય કારણ ઈયરબડ્સ દ્વારા લાંબા સમય સુધી મોટેથી સંગીત સાંભળવું અને ઘોંઘાટવાળી જગ્યાએ રહેવું માનવામાં આવી રહ્યું છે. ઈયરબડ્સ અથવા હેડફોનનો ઉપયોગ કરનારા લગભગ 65% લોકો સતત 85 (ડેસિબલ) કરતા વધુ મોટા અવાજે તેનો ઉપયોગ કરે છે. આટલી તીવ્રતાનો અવાજ કાનના આંતરિક ભાગો માટે ખૂબ જ હાનિકારક છે, જે યુવાનોને પણ બહેરા બનાવી રહ્યું છે.

(5:41 PM IST)