News of Tuesday, 4th March 2025
કેનેડા બાદ હવે ચીને પણ અમેરિકા પર વળતો પ્રહાર કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાએ ચીન પર 20 ટકા ટેરિફ લગાવ્યા બાદ ચીને પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે અમેરિકાની પ્રોડક્ટ્સ પર 10થી 15 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ 10 માર્ચથી લાગુ થશે. ચીને વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન સમક્ષ ટ્રમ્પની ટેરિફ નીતિ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. ચીનના નાણા મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી.
ચીનના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, 'આ ટેરિફ અમેરિકામાંથી આયાત થતાં ઘઉં, મકાઈ, કપાસ સહિત ટોચની અમેરિકન પ્રોડક્ટ્સ પર લાગુ થશે. આ નિર્ણયથી વિશ્વની બે ટોચની અર્થવ્યવસ્થા વચ્ચે ટ્રેડવોર શરુ થયું છે. ચીનનો આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર 20 ટકા ટેરિફ લાદવાના આદેશ બાદ લેવાયો છે. અમેરિકામાંથી આયાત થતાં ઘઉં, મકાઈ અને કપાસની આયાત પર 15 ટકા, જ્યારે જુવાર, સોયાબીન, ફળો, શાકભાજી અને ડેરી સહિતની પ્રોડક્ટ્સ પર 10 ટકા ટેરિફ લાદવામાં આવશે.'અમેરિકાએ આજથી કેનેડા, મેક્સિકો તથા ચીનમાંથી આયાત પર ટેરિફ લાગુ કરતાં જ આ દેશોએ પણ સામે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. કેનેડાએ પણ અમેરિકાની 125 અબજ ડૉલરની પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. મેક્સિકો પણ ઠોસ પગલાં લેતાં ટેરિફ લાદશે. ટ્રમ્પના ટેરિફ વોરથી વિશ્વભરમાં ટ્રેડવોર છેડાયું છે. અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારી બમણો કર્યો છે. ટ્રમ્પ માને છે કે, ટેરિફ દેશની સમસ્યાઓને ઉકેલી શકે છે. પરંતુ તેનાથી વિશ્વભરમાં ફુગાવાની સ્થિતિ સર્જાવાની ભીતિ અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પ બીજી માર્ચથી રેસિપ્રોકલ ટેરિફ પણ લાગુ કરશે. ટ્રમ્પે કહ્યું કે, ટેરિફ એ એક શક્તિશાળી હથિયાર છે, જેનો રાજનેતાઓએ ઉપયોગ કર્યો નથી. કારણકે, તેઓ મૂર્ખ હતા, અપ્રમાણિક હતા. તેઓ પોતે પૈસા કમાવા નેતા બન્યા હતા.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
