News of Monday, 10th March 2025
પાકિસ્તાન જવાની વાતને લઈને અમેરિકાએ પોતાના નાગરિકોને આપી આ ચેતવણી

નવી દિલ્હી: અમેરિકાએ તેના નાગરિકોને આપેલી ટ્રાવેલ એડવાઇઝરીમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, તેમણે પાકિસ્તાનનો પ્રવાસ નિવારવો જ જોઈએ. તેમાં કહેવાયું છે 'પાકિસ્તાનમાં ત્રાસવાદ વ્યાપક હોવાથી ત્યાં ન જશો.' શુક્રવારે જાહેર કરેલી આ એડવાઇઝરીમાં વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારત સાથેની તેની લાઇન-ઓફ-કંટ્રોલ (એલ.ઓ.સી.) ઉપર તો સતત અશાંતિ પ્રવર્તે છે. ત્યાં સામ-સામા ગોળીબારો રોજિંદી ઘટના છે. આ ઉપરાંત બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવાના પ્રાંતોમાં તો ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ પ્રવર્તતી હોઈ સલામતીની ખરેખરી ચિંતા ઊભી થાય છે.
આ સાથે તે એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમે પાકિસ્તાન જવાની યોજના બનાવી હોય તો તે યોજના રદ્દ કરી અન્ય સ્થળે જવાની યોજના ઘડો.
હિંસક ત્રાસવાદી જૂથો હુમલાઓ કરવાની યોજના ત્યાં સતત ઘડતા જ હોય છે. બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રાંતોમાં સરકારી દળો ઉપર સતત હુમલા થાય છે. જ્યાંથી હુમલાઓ થાય છે. તેમાં પૂર્વે જે વિસ્તારો ફેડરલ એડમિનિસ્ટ્રેટેડ ટ્રાઇવલ એરિયાઝ (એફએટીએ) કહેવાના હતા તે પણ સમાવિષ્ટ છે.
તે એ પ્રાંતો ઉપરાંત અન્ય પ્રાંતોમાં પણ છૂટા છવાયા ત્રાસવાદી હુમલાઓ થતા જ રહે છે. તેમાંએ ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાનમાં તો વ્યાપક હુમલાઓ સતત થતા રહે છે. તે બંને પ્રાંતોમાં તો ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તે છે. આ ત્રાસવાદી હુમલાઓમાં અને તે ગૃહયુદ્ધોમાં અસંખ્ય મૃત્યુ થાય છે.
આ એડવાઇઝરીમાં તેવી પણ માહિતી આપવામાં આવી છે કે, ત્રાસવાદી અને આતંકવાદી તત્ત્વો દ્વારા અંધાધૂંધ ગોળીબારો થતા જ રહે છે. તેમાં પોલીસ અને લશ્કરના કર્મચારીઓ ઉપર તો હુમલા થાય જ છે પરંતુ તે સાથે નાગરિકોને પણ નિશાન બનાવાય છે. વધુ ભયાવહ બાબત તો તે છે કે આ ત્રાસવાદીઓ કોઈ પણ પૂર્વ ચેતવણી વિના જ હુમલા કરે છે. તેમાં નાગરિકો અને વિદેશીઓ પણ નિશાનમાં આવી જાય છે. આ ત્રાસવાદીઓ વિદેશીઓ ઉપર તો સૌથી વધુ ખાર રાખે છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
