<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

અમરિકાથી હાંકી કઢાયેલ ગેરકાયદે પ્રવાસીઓને પનામાએ છોડી મુક્યા હોવાની માહિતી

નવી દિલ્હી: પનામા સરકારે આખરે અમેરિકામાંથી કાઢી મૂકાયેલા ગેરકાયદે વસાહતીઓને કેટલાક સપ્તાહો સુધી પોતાના શહેરના ડિટેન્શન સેન્ટર્સમાં રાખ્યા પછી આખરે શનિવારે છોડી મૂક્યા હતા. પનામા સરકારે ગેરકાયદે વસાહતીઓને પનામા સિટી છોડવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો છે. સપ્તાહો સુધી ચાલેલા કોર્ટ કેસો અને માનવાધિકાર ભંગના આક્ષેપો બાદ સરકારે આ પગલું ભર્યું હતું. પનામા સિટીના અંતરિયાળ વિસ્તારમાં રખાયેલા આ ગેરકાયદે પ્રવાસીઓની હાલત અત્યંત દયનીય હતી. હકીકતમાં અમેરિકા, પનામા અને કોસ્ટારિકા વચ્ચે થયેલી સમજૂતીના ભાગરૂપે અમેરિકામાંથી હાંકી કઢાયેલા ગેરકાયદે વસાહતીઓને પનામામાં રાખવામાં આવ્યા હતા. આ સમજૂતીને કારણે ગેરકાયદે પ્રવાસીઓના માનવાધિકારો અંગે ચિંતાઓ વધી ગઈ હતી.

પનામા સિટીની એક હોટેલમાં અટકાયતમાં રખાયેલા સેંકડો પ્રવાસીઓએ મદદ માટે બારીઓ પર સંદેશા લગાવી કહ્યું કે તેઓ પોતાના દેશ પાછા ફરતા ડરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કોઈપણ વ્યક્તિને અત્યાચારથી બચવા માટે આશરો લેવાનો અધિકાર છે. જે પ્રવાસીઓ તેમના દેશ પાછા ફરવાનો ઈન્કાર કરી રહ્યા હતા તેમને પનામાની સરહદ નજીક એક અંતરિયાળ શિબિરમાં ધકેલી દેવાયા હતા, જ્યાં તેમણે કેટલાક સપ્તાહો સુધી અમાનવીય પરિસ્થિતિઓમાં રહેવું પડયું હતું. અફઘાનિસ્તાનના હયાતુલ્લાહ ઓમઘ ૨૦૨૨માં તાલિબાનોનું શાસન આવતા ભાગીને પનામા પહોંચ્યા હતા. તે કહે છે, અમે શરણાર્થી છીએ. પનામા સિટીમાં હોટેલમાં રહેવા માટે અમારી પાસે નાણાં નથી કે અમારા કોઈ સંબંધીઓ પણ નથી. અમે કોઈપણ સ્થિતિમાં અફઘાનિસ્તાન પાછા ફરી શકીએ તેમ નથી. પનામાના અધિકારીઓએ કહ્યું કે, નિર્વાસિત લોકો તેમના રોકાવાની મુદત ૬૦ દિવસ સુધી લંબાવી શકે છે, પરંતુ ત્યાર પછી શું થશે તે અંગે તેમની સ્થિતિ સ્પષ્ટ નથી. પનામા સરકારે છોડી મૂકેલા ગેરકાયદે વસાહતીઓમાં પાકિસ્તાન, ઈરાન, રશિયા, નેપાળ, અફઘાનિસ્તાન અને અન્ય દેશોના લોકોનો સમાવેશ થાય છે. આ લોકો હિંસા અને અત્યાચારથી બચવા માટે ભાગીને અમેરિકા પહોંચ્યા હતા. જોકે, છોડી મૂકાયેલા અનેક ગેરકાયદે પ્રવાસીઓનું કહેવું છે કે તેમની પાસે પાછા અમેરિકા જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 

(6:46 PM IST)