તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
દરિયામાં ખોવાયા પછી 95 દિવસ મોત સામે ઝઝૂમ્યો; પંખી, વાંદા અને દરિયાઈ કાચબા ખાઈને જીવતો રહ્યો

લંડન, તા.19: સામાન્ય રીતે માછીમારો દરિયો ખેડવા જાય ત્યારે 10 દિવસની ટ્રિપ માટે પંદરેક દિવસનું ફૂડ સાથે લઈને જાય છે. કોઈએ કલ્પના ન કરી હોય કે તેઓ દરિયામાં એકલપંડે દિવસો નહીં, ત્રણ-ત્રણ મહિના સુધી ભૂલા પડી જશે. પેરુ દેશનો મૅક્સિમો નાપા નામનો 61 વર્ષનો માછીમાર દરિયામાં 10 દિવસ માટે ગયો હતો, પણ અચાનક આવેલા દરિયાઈ વાવાઝોડાને કારણે દિશા તે મધદરિયે એવો ભટકી ગયો કે તેને મહિનાઓ સુધી કોઈ કિનારો દૂર-દૂર સુધી જોવા ન મળ્યો. ઇરફાન ખાનની ‘લાઇફ ઑફ પાઇ' મૂવી જેવો અનુભવ લઈ આવનારા મૅક્સિમો નાપા નામના ભાઈને આખરે ઇક્વડોરના દરિયાકિનારા પાસેથી રેસ્કયુ-બોટ મળી ગઈ અને તે બચી ગયો. અફાટ સમુદ્ર વચ્ચે ભૂખ, તાપ અને તરસથી તડપતા અને વચ્ચે-વચ્ચે દરિયાઈ ઝંઝાવાતનો સામનો કરતાં-કરતાં તે ખૂબ થાકી ગયેલો. કશું જ ન મળતાં તે બોટમાં છુપાયેલા વાંદા અને દરિયાઈ કાચબા ખાઈને અને દરિયા પર ઊડતાં દરિયાઈ પંખીઓ ખાઈને જીવ્યો. જોકે છેલ્લે-છેલ્લે તો તેને એ પણ ખાવા ન મળ્યા છતાં 61 વર્ષના નાપાભાઈએ હાર ન માની. ઇક્વડોરની બૉર્ડર પાસેથી તેને રેસ્કયુ કરવામાં આવ્યો અને તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી. ભાનમાં આવતાં તેણે પોતાનો અનુભવ શૅર કર્યો હતો. તેનું કહેવું હતું કે ‘મારે મરવું નહોતું. હું માત્ર મારા પરિવારને યાદ કરતો હતો અને મારામાં જીવતા રહેવાનું બળ આવી જતું હતું. મારી બે મહિનાની પૌત્રીનો ચહેરો નજર સામે તરવરતો રહેતો. વરસાદ પડતો ત્યારે એ પાણી ભેગું કરી લેતો એટલે તરસ છિપાવી શકાતી, પણ ફૂડ માટે બહુ ટળવળવું પડ્યું.
આ મારો બીજો જન્મ છે અને હું ભગવાનનો આભારી છું આ બીજું જીવન આપવા બદલ.'પેરુવિયન નેવીએ નાપાનો ફોટો સકર્યુલેટ કરીને દરિયાઈ સીમાઓ પર તહેનાત બોટ્સને રેસ્કયુ માટે અપીલ કરી હતી જેને કારણે 95 દિવસની રઝળપાટ બાદ મૅક્સિમો નાપાની શોધ થઈ શકી હતી. (રર.25)
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
