<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

અમેરિકાના સંરક્ષણ વિભાગમાં 60હજાર કર્મચારીઓની છટણીના ટાર્ગેટથી ખળભળાટ મચી જવા પામ્યો

નવી દિલ્હી: અમેરિકાના સંરક્ષણ વિભાગ(પેન્ટાગોન)માં 50,000થી 60,000 અસૈન્ય નોકરીઓમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ ઘટાડાની પ્રક્રિયામાં અત્યાર સુધી લગભગ 21,000 કર્મચારીઓએ સ્વૈચ્છિક રાજીનામા યોજનાનો સ્વીકાર કર્યો છે. જે કુલ લક્ષિત ઘટાડાના લગભગ એક તૃતીયાંશ છે. એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. સંરક્ષણ વિભાગનું લક્ષ્ય 900,000થી વધુ અસૈન્ય કર્મચારીઓમાંથી 5%થી 8% નો ઘટાડો કરવાનું છે. આ માટે દર મહિને લગભગ 6,000 પદને હટાવવામાં આવશે. આ સિવાય નિયમિત રીતે નિવૃત્ત થનાર કે નોકરી છોડનાર કર્મચારીઓની જગ્યા ભરવામાં આવશે નહીં. આ ઘટાડો સંરક્ષણ સચિવ પીટ હેગસેથના નેતૃત્વમાં લાગુ કરવામાં આવી રહ્યો છે, જેનો હેતુ વિભાગના બજેટને ઘટાડવાનો અને સરકારી ખર્ચમાં ઘટાડો લાવવાનો છે. આ યોજનાને 'ફોર્ક ઇન ધ રોડ' પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે અને આ કર્મચારીઓને સપ્ટેમ્બર સુધી વેતન અને લાભોની સાથે સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાનો વિકલ્પ આપે છે. અધિકારીઓની ચિંતા છે કે ખાલી થયેલા અસૈન્ય પદોને ભરવા માટે સૈન્ય કર્મચારીઓને તહેનાત કરવામાં આવી શકે છે. જેનાથી તેમની કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. જોકે, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે એ નક્કી માટે આદેશ આપ્યા છે કે આ ઘટાડાથી સૈન્ય તૈયારીઓ પર પ્રતિકૂળ અસર ન પડે. આ ઘટાડો ટ્રમ્પ તંત્રના નજીકના સલાહકાર અને અબજોપતિ વેપારી ઈલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિએન્સી સર્વિસ (DOGE) હેઠળ કરવામાં આવી રહી છે, જેનો હેતુ સંઘીય કાર્યબળને ઘટાડવાનો અને સરકારી એજન્સીઓને ફરીથી રચવાનો છે.

(5:42 PM IST)