<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

છૂટાછેડામાં અનોખો ચૂકાદોઃ પત્‍નિએ વર્ષો સુધી પતિના ઘરમાં કામ કર્યુ : તેના ૩૦ લાખ રુપિયા આપવા પડશે

જજના એક અનોખા નિર્ણયે પતિને ચોંકાવી દીધો

બીજીંગ, તા.૨૪: કોઈ પણ સંબંધનું તૂટવું એટલું જ દર્દનાક હોય છે, જેટલી ખુશી તેની શરૂઆતમાં મળે છે. પણ ક્‍યારેક ક્‍યારેક હાલાત એવા બની જાય છે કે બે લોકોનું સાથે રહેવું અઘરું થઈ જાય છે. ત્‍યારે આવા સમયે છૂટાછેડા થાય છે અને પતિ-પત્‍ની વચ્‍ચે સંપત્તિ તથા જવાબદારીઓના ભાગલા થાય છે. ચીનમાંથી આવો જ એક મામલો સામે આવ્‍યો છે, પણ અહીં જજના એક અનોખા નિર્ણયે પતિને ચોંકાવી દીધો.

 ચીનમાં એક પતિ-પત્‍ની વચ્‍ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્‍યો હતો. લગભગ બધી વાત નક્કી થઈ ગઈ હતી. પણ અંતિમ નિર્ણય દરમ્‍યાન જજે કંઈક એવું કહયું જેની પતિને જરાંયે આશા નહોતી. તે આ સાંભળી ચોંકી ગયો. તેણે સંપત્તિના ભાગલા અને બાળકોના ઉછેરની જવાબદારી વિશે ખબર હતી, પણ એ નહોતી ખબર કે તેને ઘરના કામ માટે પણ મોટી રકમ આપવી પડશે.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્‍ટના રિપોર્ટ અનુસાર, હૂ નામના એક શખ્‍સના લગ્ન ૨૦૧૧માં થયા હતા. તે જ વર્ષે તેમને ત્‍યાં દીકરીનો જન્‍મ થયો. હાલના વર્ષોમાં દીકરીના અભ્‍યાસને લઈને બંને વચ્‍ચે ઝઘડો થયો. ૨૦૨૨માં હૂ ઘર છોડીને નીકળી ગયો અને બંને અલગ થઈ ગયા. ૨૦૨૪માં હૂને છૂટાછેડા માટે અરજી કરી હતી. પત્‍નીએ દીકરીની કસ્‍ટડી અને સંપત્તિમાં ભાગ માગ્‍યો. આ ઉપરાંત તેણે અગાઉ ઘરમાં કરેલા કામ માટે ૫૦,૦૦૦ યુઆન એટલે કે ૬ લાખ રૂપિયાની માગ કરી.

હૂની પત્‍નીએ કહયું કે, તેણે નોકરી છોડીને ઘર સંભાળ્‍યું અને દીકરીની દેખરેખ રાખી. માર્ચમાં કોર્ટે ચુકાદો આપ્‍યો કે હૂને દર મહિને અમુક રકમ અને દીકરીના ઉછેર માટે ૩૦ લાખ રૂપિયા આપવા પડશે. તેની સાથે જ જજે હૂને પત્‍નીએ માગેલા ૬ લાખના પાંચ ગણા વધારે એટલે કે ૩૦ લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્‍યો. જે ઘરના કામ કર્યા તેના માટે આપવા પડશે.

પતિ આ સાંભળીને ચોંકી ગયો. જજે કહયું કે, ઘરના કામ બંનેની જવાબદારી છે. ફક્‍ત એકની નહીં. જો તે પોતાની જવાબદારી પૂરી નથી કરતો, તો તેણે પૈસા આપવા પડશે.(૨૩.૨)

(10:10 AM IST)