<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

અમેરિકાના એન્‍જિનિયરોએ શોધ્‍યું ચોખાના દાણા કરતાં પણ નાનું વિશ્વનું સૌથી ટચૂકડું પેસમેકર

આ પેસમેકર ઇન્‍જેક્‍શનથી બોડીમાં નાખી શકાશે અને જરૂરિયાત પૂરી થઈ જાય એટલે આપમેળે શરીરમાં ઓગળી પણ જશે

ન્‍યુયોર્ક તા.૫: જ્‍યારે હૃદયના ધબકારાની ગતિ અનિયમિત થઈ જતી હોય છે ત્‍યારે એને રિધમમાં લાવવા માટે કળત્રિમ સ્‍ટિમ્‍યુલેશન મળી રહે એ માટે હૃદયમાં પેસમેકર બેસાડવામાં આવે છે. અમેરિકાની નોર્થવેસ્‍ટર્ન યુનિવર્સિટીના સાયન્‍ટિસ્‍ટોએ એવું ટચૂકડું પેસમેકર બનાવ્‍યું છે જે દરદીના શરીરમાં નાખવાનું ખૂબ સરળ છે. એટલું જ નહીં, એ ચોખાના દાણા કરતાંય નાનું અને વિશ્વનું સૌથી ટચૂકડું પેસમેકર છે. નેચર જર્નલમાં છપાયેલા અભ્‍યાસમાં જણાવાયું છે કે આ ડિવાઇસ એવા નવજાત શિશુઓ માટે છે જેમને ટેમ્‍પરરી ધોરણે હૃદય ધબકવાની ગતિને મેઇન્‍ટેન કરવા માટે પેસમેકરની જરૂર છે.

સામાન્‍ય રીતે જે પેસમેકર્સ હોય છે એનું ડિવાઇસ મોટું તો હોય જ છે, પણ એને નાખવા વાયર્સ બેસાડવા અને કાઢવા બન્ને માટે સર્જરીની જરૂર પડે છે. બાયોઇલેક્‍ટ્રૉનિક્‍સના પાયોનિયર જૉન એ. રૉજર્સનું કહેવું છે કે ‘નવું શોધાયેલું પેસમેકર એની મિનિએચર સાઇઝને કારણે પીડિયાટ્રિક હાર્ટ સર્જરીમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવશે. બાળકો માટે જેટલું નાનું ડિવાઇસ હોય એટલું બહેતર છે. આ ડિવાઇસ એનું કામ પૂરું થયા પછી શરીરમાં જ ઓગળી જાય છે.'

જન્‍મજાત હૃદયની ખામી સાથે જન્‍મતાં એક ટકા બાળકો માટે આ વરદાનરૂપ છે. ખામી સુધારવા માટે બાળકના હાર્ટ પર સર્જરીના વિકલ્‍પ તો ઘણા આવી ગયા છે, પરંતુ આ સર્જરી પછી હાર્ટને ટેમ્‍પરરી ધોરણે ધબકારાનું નિયમન કરતા પેસિંગ ડિવાઇસની જરૂર પડે છે. સાતથી દસ દિવસમાં હૃદય જાતે જ રિપેર થઈને એની નિયમિત ગતિ લઈ લે છે. એ માટે નવું શોધાયેલું પેસમેકર હાર્ટ સર્જરીઓની અસરકારકતા પણ વધારશે.

આ ડિવાઇસને ઇન્‍જેક્‍શન વાટે શરીરમાં દાખલ કર્યા પછી છાતી પાસે એક સ્‍મોલ ફ્‌લેક્‍સિબલ, વાયરલેસ પૅચ લગાવવામાં આવે છે. જ્‍યારે પણ હાર્ટબીટ્‍સમાં અનિયમિતતા આવે ત્‍યારે પેસમેકરને સિગ્નલ મળે છે અને એ એક્‍ટિવેટ થઈ જાય છે. પેસમેકર બૅટરીથી સંચાલિત છે અને આ બેટરી શરીરમાંના પ્રવાહીમાં ફરતી ઇલેક્‍ટ્રિકલ એનર્જીનો ઉપયોગ કરે છે. એમાં કોઈ રેડિયો સિગ્નલ્‍સની જરૂર નથી પડતી. એ માત્ર લાઇટની મદદથી હાર્ટબીટ કન્‍ટ્રોલ કરે છે.(૩૮.૭)

(10:16 AM IST)