તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
આગામી 5 વર્ષમાં 95 ટકા કોડ AI દ્વારા જનરેટ થશે’ તેવી માઇક્રોસોફ્ટના ચીફ ટેક્નોલોજી ઓફિસરે કરી જાહેરાત

નવી દિલ્હી: માઇક્રોસોફ્ટના ચીફ ટેક્નોલોજી ઓફિસર કેવિન સ્કોટનું કહેવું છે કે આગામી પાંચ વર્ષમાં 95 ટકા કોડ AI દ્વારા જનરેટ કરવામાં આવશે. AI જ્યારથી આવ્યું ત્યારથી સોફ્ટવેર એન્જિનિયરની માંગમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં એમાં ઘણો મોટો ઘટાડો જોવા મળશે. AI જ્યારથી આવ્યું છે ત્યારથી મોટાભાગના કામ આંગળીના ટેરવે ખૂબ જ ઝડપથી અને ચોક્કસ રીતે થઈ રહ્યાં છે. એમાં કોડિંગ, વેબસાઇટ અને એપ્લિકેશન બનાવવાનું પણ સમાવેશ થાય છે. અત્યારે AIની થોડી મર્યાદાઓ છે, પરંતુ આગામી પાંચ વર્ષમાં કોઈ પણ પ્રકારની મર્યાદા નહીં રહે. તેમ જ જેમ-જેમ AI વિકસિત થતું જશે તેમ-તેમ મનુષ્યની નોકરી પર જોખમ વધતું જશે. મોટાભાગની કંપનીઓ ઘણા સોફ્ટવેર એન્જિનિયર રાખવા કરતાં એક AI નિષ્ણાત રાખવાનું પસંદ કરશે જે દરેક પ્રકારના કામ કરી શકે. આથી સમય અને પૈસાની બચત થશે, જો કે પરિણામે બેરોજગારીમાં વધારો થશે. માઇક્રોસોફ્ટના ચીફ ટેક્નોલોજી ઓફિસર કેવિન સ્કોટ દ્વારા હાલમાં જ 20VC પોડકાસ્ટમાં હાજરી આપવામાં આવી હતી. આ પોડકાસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, ‘આગામી પાંચ વર્ષમાં 95 ટકા કોડ AI જનરેટ કરશે.’ મનુષ્ય દ્વારા ખૂબ જ સાચવી સમજીને અને વિચારીને જે કોડિંગ કરવામાં આવે છે તેવું ખૂબ જ ઓછું જોવા મળશે. જો કે AI માનવની જગ્યા લઈ લેશે એવું કહેવું ખોટું છે. AIમાં જે સમસ્યા આવશે તે ઉકેલવાનું કામ માનવ દ્વારા જ કરવામાં આવી શકે છે. AI ફક્ત કોડ જનરેટ કરે છે, પરંતુ એમાં સર્જનાત્મકતા દર્શાવવાનું કામ માનવ જ કરી શકશે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
