<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

અમેરિકાએ વિનાશક પરમાણુ બોમ્બનું ઉત્પાદન ઝડપી બનતા દુનિયા આખીમાં ચિંતા

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશોને ટેરિફની ધમકી આપીને આર્થિક યુદ્ધ શરૂ કરી દીધું છે. બીજીબાજુ રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્યપૂર્વમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધના પગલે વૈશ્વિક સ્તરે અશાંત પરિસ્થિતિ વચ્ચે અમેરિકાએ ન્યૂ મેક્સિકોમાં ચૂપચાપ નવા પરમાણુ બોમ્બ બી૬૧-૧૩ ગ્રેવિટી બોમ્બનું ઉત્પાદન વધારી દીધું છે. આ પરમાણુ બોમ્બ બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનના હિરોશિમા પર ફેંકવામાં આવેલા લીટલ બોયની સરખામણીમાં ૨૪ ગણો વધુ શક્તિશાળી છે. એટલે કે આ પરમાણુ બોમ્બ એક જ ઝાટકે અનેક જાપાનને ખતમ કરી નાંખવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાના આ પગલાંએ દુનિયાને ફરીથી શીતયુદ્ધની સ્થિતિમાં લાવી દીધી છે. દુનિયાને પરમણુ બોમ્બ બનાવતા રોકવાનું જ્ઞાાન આપનારા અમેરિકાએ પોતે જ વિનાશક પરમાણુ બોમ્બનું ઉત્પાદન વધાર્યું છે. અમેરિકાના નેશનલ ન્યૂક્લિયર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન (એનએનએસએ)ના અધિકારીઓએ જણાવ્યું કે, તેનો પરમાણુ કાર્યક્રમ સમય કરતા ઘણો વહેલો ચાલે છે. હકીકતમાં આ પરમાણુ બોમ્બનું ઉત્પાદન ૨૦૨૬માં શરૂ થવાનું હતું, પરંતુ રશિયા, ચીન અને ઈરાન સાથે વધતા સંઘર્ષને ધ્યાનમાં રાખતા અમેરિકાએ તેની ડેડલાઈન સાત મહિના આગળ લાવી દીધી છે.આ પરમાણુ બોમ્બ માત્ર ઝડપથી જ નથી બનાવાયો, પરંતુ તે અત્યંત વિનાશક પણ છે. બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકાએ હિરોશિમા પર નાંખેલો લીટલ બોય ૧૫ કિલો ટનનો હતો જ્યારે બી૬૧-૧૩ ૩૬૦ કિલો ટનનો છે. એટલે કે લીટલ બોય કરતાં ૨૪ ગણો વધુ શક્તિશાળી છે. નવો બોમ્બ આકાશમાંથી છોડવામાં આવતો ક્લાસિક ગ્રેવિટી બોમ્બ છે. પરંતુ તે આધુનિક ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને બનાવાયો છે.

(6:30 PM IST)