News of Monday, 14th April 2025
રશિયાએ ફરી યુક્રેન પર એરસ્ટ્રાઇક:34થી વધુના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: યુક્રેનના સુમી શહેરમાં રશિયાએ કરેલા મિસાઇલ હુમલામાં ૩૪થી વધુ લોકોનાં મોત થયા છે અને અન્ય ૧૧૭ લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પામ સન્ડેની ઉજવણી કરવા માટે લોકો એકત્ર થયા હતાં ત્યારે સવારે ૧૦.૧૫ કલાકે આ હુમલો કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ હુમલાના એક દિવસ પહેલા જ રશિયા અને યુક્રેનના વરિષ્ઠ રાજદ્વારીઓએ એકબીજા પર અમેરિકાના નેતૃત્ત્વવાળી બંને દેશો વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં નક્કી થયેલ શાંતિ સમજૂતી ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો.
રશિયાના વિદેશ પ્રધાને આરોપ મૂક્યો છે કે મંત્રણા શરૂ કરવામાં આવ્યા પછી પણ યુક્રેન દરરોજ રશિયા પર હુમલા કરી રહ્યું છે. બીજી તરફ યુક્રેનના વિદેશ પ્રધાને જણાવ્યું છે કે મર્યાદિત હુમલા કરવા અંગે સંમત થયા પછી પણ રશિયાએ યુક્રેનમાં ૭૦ મિસાઇલ, ૨૨૦૦ ડ્રોન, ૬૦૦૦ એરિયલ બોંબ છોડયા છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ રશિયા દ્વારા બે બેલેસ્ટિક મિસાઇલ છોડવામાં આવી હોવાના રિપોર્ટને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ હુમલામાં અનેક લોકોનાં મોત થયા છે અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ અનેક નાગરિકોનાં મોત થયા છે અને અનેક નાગરિકો ઘાયલ થયા છે. ક્રૂર લોકો જ સામાન્ય નાગરિકોના પ્રાણ આવી રીતે લઇ શકે છે.
યુક્રેન પ્રમુખની ઓફિસના વડા એન્ડ્રી યરમાકના જણાવ્યા અનુસાર હુમલામાં વધારેમાં વધારે લોકોનાં મોત થાય તે માટે કલસ્ટર દારૂગોળાના ઉપયોગ કરવામાં આવ્યો હતો.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
