<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

યુક્રેનમાં એફ-16 વિમાનને રશિયાની એસ-400એ તોડી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો

નવી દિલ્હી: યુક્રેનમાં અમેરિકાના એફ-૧૬ વિમાનને રશિયાની  એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦એ તોડી પાડતા અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં ખળભળાટ મચી ગયો છે. એફ-૧૬ તોડી પાડવામાં આવતા યુક્રેનના હવાઇદળની રણનીતિને મોટો ઝાટકો લાગ્યો છે. તેની સાથે અમેરિકાની લશ્કરી ડિપ્લોમસી પર પણ સવાલ ઉઠયો છે. આ અહેવાલ બીબીસીએ આપ્યો હોવાથી તેની વિશ્વસનીયતા પણ વધારે છે.
આ ઉપરાંત ઘણા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આર-૩૭ નામની એર-ટુ-એર મિસાઇલે પણ એફ-૧૬ને નિશાન બનાવ્યું હોય તેવી પણ સંભાવના છે. જો કે આ બાબતને હજી સુધી સત્તાવાર સમર્થન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે એફ-૧૬ વિમાન નાટો અને અમેરિકાનું સૌથી મોટું ટેસ્ટેડ અને મલ્ટી રોલ વિમાન છે. યુક્રેન રશિયા સામે યુદ્ધના મોરચે સરસાઈ મેળવે તે હેતુથી એફ-૧૬ વિમાન તેને આપવામાં આવ્યું હતું. પશ્ચિમી દેશોએ વિચાર્યું હતું કે એફ:૧૬ આવવાથી યુક્રેનનું હવાઈદળ રશિયાના એસયુ-૩૫ અને એસયુ-૩૪ જેવા વિમાનોનો સામનો કરી શકશે. પરંતુ યુદ્ધના મેદાનમાં રશિયાએ બતાવી દીધું છે કે પશ્ચિમી દેશો ફક્ત ટેકનોલોજીના દમ પર યુદ્ધની સ્થિતિ બદલી શકવાના નથી. રશિયાએ તે સાબિત કર્યુ છે કે યુદ્ધના મેદાનમાં હકીકત તે આધાર પર નિર્ભર કરે છે કે દેશની રણનીતિ, ઇલેક્ટ્રોનિક વોરફેર અને મિશન પ્લાન કેટલો શાનદાર છે.રશિયાના એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમને વિશ્વની સૌથી ઘાતક અને ચોકસાઈવાળી સિસ્ટમ માનવામાં આવે છે.આ ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પને આગ્રહ કર્યો છે કે તે યુક્રેન આવી રશિયાના હુમલાઓના લીધે થયેલી બરબાદી જુએ. રશિયાએ યુક્રેન સાથે શું કર્યુ છે અને હજી પણ શું કરી રહ્યું છે તે નજરોનજર જુએ અને સમજે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ યુક્રેનનો પ્રવાસ ખેડશે તો સમજી જશે કે પુતિને શું કર્યું છે.

 

(6:16 PM IST)