News of Monday, 21st April 2025
ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકામાં ઉકળતો ચરુ:10 લાખથી વધુ લોકો રસ્તા પર આવ્યા

નવી દિલ્હી: અમેરિકાને ફરીથી મહાન બનાવવા, અમેરિકા ફર્સ્ટના સૂત્રોચ્ચાર સાથે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે અભૂતપૂર્વ બહુમતીથી પ્રમુખપદની ચૂંટણી જીતી લીધી હતી. પરંતુ સત્તા સંભાળ્યાના ત્રણ જ મહિનામાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સામે આખા અમેરિકામાં વિરોધનું વિનાશક વાવાઝોડું સર્જાયું છે. ટ્રમ્પની ટેરિફ સહિતની નીતિઓના વિરોધમાં શનિવારે ન્યૂયોર્ક, વોશિંગ્ટનથી લઈને ફ્લોરિડા સુધી ૫૦ રાજ્યોમાં ૧૦ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા. '૫૦૫૦૧ આંદોલન'ના ભાગરૂપે 'અમેરિકામાં કોઈ રાજા નથી', ટ્રમ્પને જેલભેગો કરો જેવા પોસ્ટર અને બેનરો સાથે ૫૦ રાજ્યોમાં ૪૦૦થી વધુ સ્થળો પર લોકો દેખાવોમાં જોડાયા હતા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને દેશના લોકતાંત્રિક મૂલ્યો અને આદર્શો માટે જોખમી ગણાવતા અમેરિકાની નાનીથી લઈને મોટી કોમ્યુનિટીના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ૨૫૦ વર્ષ અગાઉ એપ્રિલ ૧૯, ૧૭૭૫ના રોજ લેક્સિંગટન અને કોન્કોર્ડમાં ક્રાંતિકારી યુદ્ધની શરૂઆતની ઊજવણીના ભાગરૂપે અમેરિકામાં શનિવારે મેનહટનની મધ્યમાં રેલીથી લઈને વ્હાઈટ હાઉસ સામે દેખાવો સુધી અનેક વિરોધ પ્રદર્શનો થયા હતા. ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટી, સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા, ટેરિફ નીતિથી આર્થિક અનિશ્ચિતતા વધવી, એલજીબીટીક્યુ વિરોધી વલણ, યુનિવર્સિટીઓ સાથે ઘર્ષણ જેવી ટ્રમ્પની નીતિઓના વિરોધમાં અમેરિકન જનતામાં ગુસ્સે એટલો વધી ગયો છે કે રાષ્ટ્રવ્યાપી આંદોલનના બે સપ્તાહ બાદ ફરી બધા જ ૫૦ રાજ્યોમાં ૪૦૦થી વધુ સ્થળો પર લાખો લોકોએ દેખાવો કર્યા હતા. ન્યૂયોર્કની લાઈબ્રેરી બહાર, વ્હાઈટ હાઉસ સામે લોકોએ એકત્ર થઈને 'અમેરિકામાં કોઈ રાજા નહીં' અને 'તાનાશાહીનો વિરોધ કરો' જેવા સૂત્રોવાળા પોસ્ટર અને બેનરો લઈને દેખાવો કર્યા હતા.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
