News of Wednesday, 23rd April 2025
સ્માર્ટવોચના આ ફીચરના કારણોસર વધુ એક વ્યક્તિનો જીવ બચી ગયો

નવી દિલ્હી: નામ એમનું રિક શીયરમેન. વતની ઓસ્ટ્રેલિયાના. દરિયામાં સર્ફિંગ કરવું એ એમની હોબી. એક દિવસ એમની આ હોબીએ તેમને મોટા જોખમમાં મૂકી દીધા. બન્યું એવું કે રિક દરિયાકાંઠાથી થોડા દૂર સર્ફિંગ કરી રહ્યા હતા એ દરમિયાન દરિયો તોફાને ચઢ્યો. એક પછી એક મોટાં મોજાં આવતાં ગયાં અને રિક દરિયાકાંઠાથી દોઢેક કિલોમીટર જેટલા દૂર તણાઈ ગયા. રિકે પોતાનું મોં પાણીની બહાર રાખવા જીવ પર આવીને કોશિશ ચાલુ રાખી.
જીવ બચાવવાની એ મથામણ દરમિયાન રિકને યાદ આવ્યું કે તેમણે એપલ સ્માર્ટવૉચ અલ્ટ્રા પહેરી હતી અને એની મદદથી તેઓ ઇમરજન્સી એસઓએસ કૉલ કરી શકતા હતા. દરિયાનાં મોજાં સામે લડવાની મથામણ દરમિયાન રિકે પોતાના કાંડા પરની વૉચનું સાઇડ બટન દબાવીને થોડો સમય પ્રેસ કરી રાખ્યું. એટલું કરતાં ઇમરજન્સી નંબર સાથે તેમનો કૉલ કનેક્ટ થયો અને તેઓ ઇમરજન્સી ટીમ સાથે વાત કરી શક્યા. ઇમરજન્સી ટીમે લાઇફ સેવર રેસ્ક્યુ હેલિકોપ્ટર સર્વિસની મદદ લીધી. રિકે ઇમરજન્સી એસઓએસ કૉલ કર્યો એ સાથે તેમનું ચોક્કસ લોકેશન - દરિયાના મોજાં વચ્ચે - પણ ઇમરજન્સી સર્વિસ સાથે ઓટોમેટિકલી શેર થયું.ગણતરીની સેકન્ડમાં રિકને રેસ્ક્યુ હેલિકોપ્ટર નજીક આવતું દેખાયું. રિકની સ્માર્ટવૉચ તેમનું લોકેશન સતત શેર કરી રહી હતી. રેસ્ક્યુ ટીમનું કામ સહેલું બન્યું. રેસ્ક્યુ ટીમને રિક દેખાયા તેની ફક્ત એક મિનિટમાં રિકને હેલિકોપ્ટરમાં ઉપાડી લેવામાં આવ્યા અને પછીની ૩૦ સેકન્ડમાં એ સહીસલામત દરિયાકાંઠે પહોંચી ગયા.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
